મોરબી/રાજકોટ, તા.19 : આગામી
31મી ડિસે. અને ક્રિસમસ સંદર્ભે અમદાવાદમાં પોલીસતંત્ર દ્વારા સઘન વાહન ચેકિંગ અને
કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસે વટવામાંથી રૂ.3.પ9 કરોડની
કિંમતના હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે મોરબીના શખસને ઝડપી લીધો હતો અને છ દિવસના રિમાન્ડ
પર લેવામાં આવ્યો હતો. પોલીસે પુનાની બે મહિલા અને નાસિકના એક શખસની શોધખોળ શરૂ કરી
હતી.
આ અંગેની વિગત એવી છે કે, વટવા
વિસ્તારના સરદાર પટેલ રિંગ રોડ પર રોપડા ચેક પોસ્ટ ખાતે જે. ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ
જાડેજાનાં માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન
શંકાસ્પદ હાલતમાં નીકળેલા મૂળ મોરબીનાં જૂના સાદુળકા ગામનો અને હાલમાં મોરબીમાં પંચાસર
રોડ પર નિત્યાનંદ પાર્કમાં રહેતા યોગેશ રતિલાલ દસાડિયા નામના શખસને પીઆઇ પી. બી. ઝાલા,
પોસઇ એ. બી. ગંધા તથા યુવરાજસિંહ, રાજદીપસિંહ સહિતના સ્ટાફે યોગેશ દસાડિયાને ઝડપી લીધો
હતો.
પોલીસે યોગેશ દસાડિયા પાસે રહેલા
થેલાની તલાસી લેતા તેમાંથી રૂ.3.પ9 કરોડની કિંમતનો 1ર કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો
મળી આવતા ચોંકી ઉઠયા હતા અને થેલામાંથી મોબાઇલ, આધાર કાર્ડ, બેંગકોકથી મુંબઈની ટિકિટ
અને પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિત રૂ.3.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યે હતો.
આ અંગે પોલીસે મોરબીના યોગેશ
રતિલાલ દસાડિયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યોગેશ
અગાઉ સિરામિકમાં કામ કરતો હતો અને તેની સાથે પુનાની નિધિ નામની યુવતી કામ કરતી હોય સંપર્કમાં હતો અને યોગેશની આર્થિક પરિસ્થિતિ સારી
ન હોય નિધિએ વિદેશથી પાર્સલ લઈ આપવાના રૂ.70 હજાર એક ટ્રીપના આપવાની વાત કરી હતી અને
પુનાની સાયલી નામની યુવતીનો સંપર્ક કરાવ્યો હતો અને સાયલી નામની યુવતીએ નાસિકના પ્રિતમ
નામના શખસ સાથે સંપર્ક કરાવ્યો હતો અને પ્રિતમ
નામનો શખસે યોગેશને બેંગકોક લઈ ગયો હતો અને ત્યાંથી સાયલી નામની યુવતીએ હોટલમાંથી એક
પાર્સલ આપ્યું હતું અને મુંબઈ ઉતરી નિધિનો સંપર્ક કરતાં આ પાર્સલ ગુજરાતમાં આપવાનું
જણાવ્યું હતું અને યોગેશ મુંબઈથી બસમાં અમદાવાદ આવતા ઝડપાયો હતો. પોલીસે વધુ તપાસ અર્થે
યોગેશ દસાડિયાને છ દિવસના રિમાન્ડ પર મેળવી નિધિ, સાયલી અને નાસિકના પ્રિતમની શોધખોળ
શરૂ કરી હતી.