• શુક્રવાર, 24 જાન્યુઆરી, 2025

ભાવનગરમાં બોગસ દસ્તાવેજોના આધારે સરકાર સાથે રૂ.1.01 કરોડની ઠગાઈ

28 શખસ સામે ગુનો નોંધાયો : તત્કાલીન બ્રાંચ મેનેજર સહિત પાંચ શખસની ધરપકડ: સિટની રચના કરાઈ

ભાવનગર, તા.10 : લધુ ઉદ્યોગ શરૂ કરવા માટે લધુ  ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકારની પ્રધાન મંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પલોયમેન્ટ જનરેટિંગ પ્રોગામ અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજનાઓ અંતર્ગત લોન અને સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો દુરુપયોગ કરી નકલી ક્વોટેશન, નકલી ઈનવોઈસ બિલ રજૂ કરી લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકારી યોજનાનો ગેરકાયદે લાભ લઈ સરકાર સાથે રૂ.1.01 કરોડની ઠગાઈ કરવાના પ્રકરણમાં ર8 શખસ સામે પોલીસે ગુનો નોધી પાંચ શખસની ધરપકડ કરી હતી. આ અંગે સીટની રચના કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યે હતો.

આ અંગેની વિગત એવી છે કે, બેંક ઓફ બરોડાના આસી.જનરલ મેનેજર રાજેશભાકર શિવરામસિંહ ભાકરે  ઘોઘા રોડ પોલીસ મથકમાં ર4 લાભાર્થીઓ, બેંક ઓફ બરોડા મોખડાજી સર્કલ બ્રાંચના તત્કાલીન બ્રાંચ મેનેજર અને તત્કાલીન ક્રેડિટ ઓફિસર અને તેના મળતિયા સહિત ર8 શખસ વિરુદ્ધ સરકારી સબસીડી મેળવવા માટે દસ્તાવેજો સાથે ચેડા કરી ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ મામલે પોલીસે તત્કાલીન બ્રાચ મેનેજર શિવશંકર ઝા, બેંક કર્મચારી પ્રદીપ મારુ, એજન્ટ હિતેષ દલપત ગલચર, એજન્ટ રમેશ મગન જાવિયા અને જેસિંગ અરજણ રાઠોડની ધરપકડ કરી હતી. જેમાં બેંક કર્મચારીની તબીયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક