મિત્રો વચ્ચે થયેલી માથાકૂટમાં
ઢીમ ઢાળી દીધું : પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદ, તા.20 : અમદાવાદમાં
વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાસણા વિસ્તારમાં મિત્રો વચ્ચે થયેલી માથાકૂટમાં
યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસે
ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમઘમાટ હાથ ધર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ વાસણા વિસ્તારમાં
મૃતક જીજ્ઞેશ કડગરે અને તેના મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થતા તેના બે મિત્રએ છરીના
ઘા ઝીંકી જીજ્ઞેશની હત્યા કરી નાશી છૂટયા હતા. બનાવને પગલે વિસ્તારના લોકોમાં ભયનો
માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતાં વાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને
જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતક ચેઇન સ્નેચિંગનો આરોપી
હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે હત્યારાઓને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા
છે.