આ ઘટના રાજકીય, શાળાને બદનામ કરવા માટેનું કાવતરું
: પૂર્વ સરપંચ રમેશ સતાસિયા
પોલીસે ઘટનાનો અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને
સોંપ્યો
બગસરા,
તા. 27: બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે બાળકો દ્વારા પોતાની જાતને બ્લેડ વડે કાપવા
મારવાની ઘટનામાં પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર ઘટના રાજકીય હોવાનું જણાવ્યું હતું જ્યારે
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આવી ઘટના જિલ્લામાં ક્યાંય ન બને એ બાબતે માર્ગદર્શનનો
પરિપત્ર કરવા જણાવ્યું હતું.
મળેલી
વિગતો મુજબ મોટા મુંજિયાસરની શાળાની ઘટનાના ઘેરા પડઘા સમગ્ર રાજ્યમાં પડયા પછી આજે
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મિયાણી દ્વારા આવી ઘટના જિલ્લામાં ફરીવાર ન બને તે
માટે માર્ગદર્શન માટે શાળાના શિક્ષકો તથા વાલીઓ જોગ પરિપત્ર કરવામાં આવશે તેમ જણાવ્યું
હતું. જોકે સામા પક્ષે ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ સતાસિયાએ આ સમગ્ર ઘટના રાજકીય હોવાનું
જણાવી શાળાને બદનામ કરવા માટે અમુક તત્ત્વો દ્વારા આ બાબતો બહાર લાવવામા આવી છે.
હકીકતમાં
આ ઘટના બન્યા પછીના બે ત્રણ દિવસમાં તમામ વાલીઓને બોલાવી તેમને માહિતગાર કરી દેવાયા
હતા. ભોગ બનેલા વિદ્યાર્થીઓના વાલી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઘટના
મીડિયા સુધી પહોંચી ગયા પછી પૂર્વ સરપંચ દ્વારા અમોને દબાણ કરી આવી કોઈ ઘટના બની નથી
તેવું લેખિતમાં આપવા માટે માગણી કરી હતી. તેમજ આ સમગ્ર ઘટના પાછળ રાજકારણ જવાબદાર છે
કોઈ શિક્ષકો જવાબદાર નથી તેવું લખાણની માગણી કરી હતી, પરંતુ વાલીઓ આવું કોઈ લખાણ આપવા
સહમત થયા ન હતા. આવું લખાણ આપવા માટે દબાણ કરવામાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા. જેથી
શાળાએ કોઈ વાલીઓ ગયા ન હતા. એએસપી ગઢવી દ્વારા સમગ્ર બાબતનો અહેવાલ જિલ્લા પ્રાથમિક
શિક્ષણ અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે તેમજ આગામી દિવસોમાં તેમના દ્વારા રિપોર્ટ
કરવામાં આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે.