રાજકોટ, તા. 3: (ફૂલછાબ ન્યૂઝ)
ગુજરાતમાં ઉનાળુ વાવેતર જોરશોરથી થઇ રહ્યા છે અને ચાલુ વર્ષનો વાવેતરનો આંકડો પાછલી
સીઝનને લગોલગ છે. રાજ્યમાં વાવણીની 86 ટકા જેટલી કામગીરી પૂરી થઇ ચૂકી છે. કઠોળ અને
તલના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે મગફળીનું વાવેતર નીચાં ભાવને લીધે ઘટ્યું છે છતાં
ઘટાડો મોટો ગણાય તેવો નથી.ખેતીવાડી ખાતાના તાજા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં 9.86 લાખ
હેક્ટરમાં વાવેતર થયું છે. અગાઉના વર્ષે એપ્રિલના આરંભે 9.98 લાખ હેક્ટરમાં વાવેતર
થયું હતુ. વાવેતર પાછલા વર્ષથી મામૂલી નીચે રહ્યું છે. મગફળી, બાજરી અને ઘાસચારાના પાકના વાવેતરમાં ઘટાડો
થવાને લીધે કુલ વાવેતર થોડું પાછળ છે. જોકે પાછલા વર્ષની સ્થિતિ મેળવાઇ જશે તેમ કૃષિ
ખાતાના અધિકારીએ કહ્યું હતુ.
ઉનાળુ વાવેતરમાં કઠોળ પર પાણી
પડવાનું જોખમ હોતું નથી એટલે ટોચની ગુણવત્તાના કઠોળ પાકે છે. ઉનાળામાં એ કારણથી કઠોળના
વાવેતર વધી જાય છે. પાછલા વર્ષના 41,493 હેક્ટર સામે આ વખતે મગનું વાવેતર 53,264 હેક્ટરમાં
વાવેતર થયું છે. અડદનું વાવેતર 20,611 સામે
29,355 હેક્ટર રહ્યું છે. કઠોળનું વાવેતર ગયા વર્ષ કરતા વધારે છે. તલમાં પણ બગાડનું
જોખમ નહીં હોવાથી પાછલા વર્ષ કરતા વાવેતરમાં થોડો વધારો થયો છે. તલના ભાવ પણ સારા છે
એટલે વાવેતર વિસ્તારને લાભ મળ્યો છે.
તલનું વાવેતર ગુજરાતમાં 1,14,524
હેક્ટરમાં થયું છે. અગાઉના વર્ષમાં વાવેતર 1,09,739 હેક્ટરમાં રહ્યુ હતુ. તલનો વિસ્તાર
સામાન્ય રીતે 1.15 લાખ હેક્ટર રહેતો હોય છે એ જોતા વાવેતર સામાન્ય છે. મોટાં ફેરફાર
વાવેતરમા થયા નથી.
મગફળીનું વાવેતર અત્યાર સુધીમાં
51,891 હેક્ટર થયું છે. જે પાછલા વર્ષમાં 46,734 હેક્ટર હતુ. સામાન્ય રીતે 58 હજાર
હેક્ટર આસપાસ વાવેતર રહેતું હોય છે.
ડાંગરનું વાવેતર ગુજરાતમાં 1,26,348
હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષમાં 93,152 હેક્ટરમાં રહ્યું હતુ. જોકે સામાન્ય કરતા
50 ટકા વધારો વાવેતરમાં થયો છે. અર્થાત દોઢું વાવેતર થયું છે. બાજરીમાં ગુજરાત સરકારે
ટેકાની ખરીદી પર બોનસની જાહેરાત કરી છે પણ તેનો કોઇ પ્રભાવ નથી. વાવેતર ઘટીને 2,09,767
હેક્ટર રહ્યું હતુ. પાછલા વર્ષમાં 2,62,688 હેક્ટરમાં વાવેતર થયું હતુ. સરેરાશ કરતા
વાવેતરમાં 32 ટકા જેટલો ઘટાડો થયો છે. મકાઇનું વાવેતર જળવાઇને 6710 હેક્ટરમાં રહ્યું
છે.