સતત ત્રીજા દિવસે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, કેશોદ પણ અગનભઠ્ઠી બન્યા, લોકો શેકાયા
રાજકોટ,
તા.3: એપ્રિલના પ્રારંભે જ સૂર્યદેવે આકરો મીજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે. હવામાન
વિભાગે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા જિલ્લામાં હિટવેવની આગાહી પણ કરી હતી. જેના પગલે
આજે સતત ત્રીજા દિવસે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહયું હતું. આજે સુરદ્રનગરમાં
સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને કેશોદમાં
તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જતા લોકો અકળાઇ ઉઠયા હતા. બપોરના સમયે તો આકાશમાંથી
આગ ઝરતી હોય તેમ આ તમામ શહેરો અગનભઠ્ઠી બન્યા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં
અસહ્ય ઉકળાટ યથાવત છે. રાજકોટમાં આજે તાપમાન 42.7 ડિગ્રીએ પહોચતા લોકો પરસેવે રેબઝેબ
થઇ ગયા હતા. બપોરના સમયે લોકો આકરા તાપથી હેરાન-પરેશાન થાય છે. અસહ્ય તાપના કારણે શહેરના
રસ્તાઓ સુમસામ થઇ ગયા હતા અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને એસી તથા પંખાના
સહારે ઘરની અંદર રહે છે. આવી જ સ્થિતિ આજે અમરેલી અને જૂનાગઢ વિસ્તારમાં પણ જોવા મળી
હતી. આજે રાજ્યના આઠ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.
ગુજરાતમાં
અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,
ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ સેવી હતી. રાજ્યમાં ઉત્તર
ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા,
તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી ખાતે છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી
મધ્યમ વરસાદ અને ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ અને મરાઠવાડા પર બે સાઇક્લોનિક
સર્ક્યુલેશનને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે.