હાઈકોર્ટ જજના ઘરે કરોડોની રોકડ મળ્યાના વિવાદ વચ્ચે નિર્ણય : વિગતો વેબસાઈટ પર મૂકાશે
નવી
દિલ્હી, તા.3 : દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના સરકારી નિવાસ સ્થાનેથી તાજેતરમાં
આગના બનાવ વખતે કરોડો રૂપિયાની રોકડ મળ્યાના ભેદી બનાવથી ન્યાયતંત્રની વિશ્વસનીયતા
સામે સવાલ ઉઠવા લાગ્યા છે તેવા સમયે સુપ્રીમ કોર્ટના 30 જજ પોતાની સંપત્તિની વિગતો
જાહેર કરશે. જે વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. દેશના વરિષ્ઠ વકીલોએ સુપ્રીમ કોર્ટના
જજોના આ નિર્ણયને આવકાર્યો છે.
જ્યુડિશિયરીમાં
પારદર્શિતા અને જનતાનો ભરોસો જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધિશોએ પોતાની
સંપત્તિની વિગતો જાહેર કરવા નિર્ણય લીધો છે. 1 એપ્રિલે યોજાયેલી ફૂલ કોર્ટ મિટિંગમાં
તમામ 34 જજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની હાજરીમાં
પોતાની સંપત્તિનો ખુલાસો કરવા નિર્ણય લીધો હતો.
જેમણે
નક્કી કર્યુ કે તેમની સંપત્તિને લગતી તમામ વિગતો સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર
અપલોડ કરવામાં આવશે. જો કે વેબસાઈટ પર સંપત્તિ જાહેર કરવાનું સ્વૈચ્છીક રહેશે. સુપ્રીમ
કોર્ટના જજોની નિર્ધારીત સંખ્યા 34 છે. હાલ 33 જજ કાર્યરત છે અને એક જગ્યા ખાલી છે.
તેમાંથી 30 જજે પોતાની સંપત્તિની જાહેરાતનું પત્ર કોર્ટમાં જમા કરાવ્યું છે જે જાહેર
કરાયું નથી.
1997ના
એક પ્રસ્તાવ અનુસાર સુપ્રીમ કોર્ટના જજોએ પોતાની સંપત્તિ સીજેઆઈ સમક્ષ જાહેર કરવાની
હોય છે. ર009ના એક નિર્ણયમાં જજોની સંપત્તિની વિગતો કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાનું
સ્વૈચ્છીક બનાવાયું હતુ. પરંતુ તમામ જજોએ આવો વિકલ્પ પસંદ કર્યો નહતો. હવે સર્વોચ્ચ
અદાલતના જજેએ સંયુક્ત રીતે પોતાની સંપત્તિનો ખુલાસો જાહેર કરવા સહમતિ દર્શાવી છે. જે
જજોએ પોતાની સંપત્તિ જાહેર કરી દીધી છે તેમાં સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર.ગવઈ,
જસ્ટિસ બી.વી.નાગરત્ના, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ જે.કે.માહેશ્વરી સામેલ છે.