• શનિવાર, 05 એપ્રિલ, 2025

લખનઉ વિરુદ્ધ મુંબઇ વિજયક્રમ જાળવી રાખવા માગશે

ઘરેલુ મેદાન પર લખનઉ પર વાપસીનું દબાણ : ઝડપી બોલર આકાશ દીપ ફિટ

લખનઉ, તા.3: કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધની શાનદાર જીત બાદ મુંબઇ ઇન્ડિયન્સ આત્મવિશ્વાસ અને જોશ સાથે લખનઉ સુપર જાયન્ટસ સામે આઇપીએલના શુક્રવારે રમાનાર મેચમાં ઉતરશે. ત્યારે એમઆઇનું લક્ષ્ય વિજયક્રમ જાળવી રાખવાનું હશે. તો એલએસજીની નજર વિજયક્રમ પર વાપસીની હશે. એમઆઇએ તેના પાછલા મેચમાં કેકેઆરને 116 રન પર રોકીને 13 ઓવરમાં જીત મેળવી હતી. આ મેચમાં મુંબઇને નવો ખતરનાક ઝડપી બોલર મળ્યો હતો. અશ્વિની કુમારે ડેબ્યૂ મેચમાં જ 4 વિકેટ લીધી હતી જ્યારે એલએસજીને તેના પાછલા મેચમાં હોમ ગ્રાઉન્ડ પર પંજાબ સામે કારમી હાર સહન કરવી પડી હતી. આ પછી લખનઉ ટીમ મેનેજમેન્ટે ઇકાના સ્ટેડિયમની ધીમી પિચ પર દોષનો ટોપલો ઢળ્યો હતો. આથી હવે શુક્રવારે રમાનાર મેચમાં થોડી સપાટ વિકેટ જોવા મળી શકે છે. જેના પર નિકોલસ પૂરન જેવા સ્ટ્રોકફૂલ બેટર્સ સફળ રહેશે.

મુંબઇના બોલર ટ્રેંટ બોલ્ટ અને દીપક ચહર પાવરપ્લેમાં પ્રભાવી દેખાવ કરી રહ્યા છે. જો કે આ ટીમની મુખ્ય ચિંતા પૂર્વ કપ્તાન રોહિત શર્માનું કંગાળ ફોર્મ છે. તે સતત ત્રણ મેચથી નિષ્ફળ છે અને તેના પર હવે ઇલેવનની બહાર થવાનો ખતરો છે. મુંબઇ હાલ રોહિતનો ઇમ્પેકટ પ્લેયર તરીકે ઉપયોગ કરે છે અને લખનઉ વિરૂધ્ધ પર આ પ્રયોગ ચાલુ રાખશે. રિયાન રિકલટન અને સૂર્યકુમારની ફોર્મ વાપસીથી મુંબઇને રાહત મળી છે.

મુંબઇના બોલર્સ માટે નિકોલસ પૂરન અને મિચેલ માર્શ પર અંકુશ મુકવો ચુનૌતિ બની રહેશે. પૂરન પાછલા ત્રણ મેચમાં 220ની સ્ટ્રાઇક રેટથી 189 રન કરી ચૂકયો છે. કપ્તાન ઋષભ પંતનું ખરાબ ફોર્મ ટીમને ભારે પડી રહ્યંy છે. આયુષ બદોની અને અબ્દુલ સમદ નીચેના ક્રમમાં સારો દેખાવ કરી રહ્યા છે. ભારતનો ટેસ્ટ ઝડપી બોલર આકાશ દીપ લખનઉની ઇલેવનમાં જોવા મળી શકે છે. તે ફિટ જાહેર થયો છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે.

લખનઉમાં રાત્રીના સમયે ઝાકળનો પ્રભાવ રહે છે. આથી ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે. બન્ને ટીમમાં સાતત્યનો અભાવ છે. આથી આ મુકાબલો રોમાંચક બની રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક