• શુક્રવાર, 09 મે, 2025

રાજુલા - જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં માછીમારો- સ્થાનિકોને સુરક્ષા મુદ્દે તકેદારી રાખવા અનુરોધ

પાકિસ્તાની સબ મરીન કે અન્ય શંકાસ્પદ સાધનો કે હિલચાલ ધ્યાને આવે તો તે કોસ્ટ ગાર્ડ પોલીસને વિના વિલંબે જાણ કરવા સૂચના

અમરેલીના પ્રભારી સચિવ સંદીપ કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અપાયાં દિશા-નિર્દેશો

અમરેલી, તા.8 : અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમારના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અને કાર્યકારી જિલ્લા કલેકટર પરીમલ પંડયાની ઉપસ્થિતિમાં યોજાયેલી એક બેઠકમાં આપવામાં આવેલા દિશા નિર્દેશો અન્વયે રાજુલા - જાફરાબાદના દરિયાઈ તટીય વિસ્તારમાં સુરક્ષા સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્થિતિમાં દરિયાઈ વિસ્તારોમાં વસતા નાગરિકોને જાગૃત્ત કરવા મુલાકાત બેઠકનું આયોજન કરાયું હતું. રાજુલા - જાફરાબાદ તાલુકા વહીવટી તંત્ર, કોસ્ટ ગાર્ડ, પીપાવાવ પોર્ટ, સ્વાન શીપયાર્ડ, ખાનગી કંપની, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, મરીન પોલીસ, ફરજ પરના અન્ય સ્થાનિક અધિકારીઓ અને બોટ એસોસિએશનના પ્રતિનિધિ ઉપરાંત સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં નાગરિકોને અને માછીમારોને જરૂરી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં, દરિયાઈ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તેઓએ રાજુલા જાફરાબાદ વહીવટી તંત્રને તે અંગે તાત્કાલિક જાણ કરવા શું કરવું જોઈએ અને ક્યા વિશેષ પગલાંઓ હાથ ધરવાના રહે તે અંગે તેમને સૂચિત કરવામાં આવ્યાં હતાં

ખાસ તો દરિયાઇ વિસ્તારમાં પાકિસ્તાની સબ મરીન કે અન્ય શંકાસ્પદ સાધનો કે હિલચાલ ધ્યાને આવે તો તે અંગે કોસ્ટ ગાર્ડ અને પોલીસને વિના વિલંબે  જાણ કરવા માટે સૂચનાઓ  આપવામાં આવી હતી. દરિયાઇ વિસ્તારમાં કે દરિયાઈ વિસ્તાર નજીક કેવા પ્રકારના સાધનો દેખાય છે તે બાબત અને સ્થિતિ અંગે તેઓ વધુ સચેત અને વાકેફ રહી શકે તે માટે નાગરિકો અને માછીમારો તેમજ સંબંધિતોને તે સાધનોના જરૂરી ફોટોગ્રાફસ બતાવવામાં આવ્યા હતા.  જાફરાબાદ જેટી ખાતે લાંગરવામાં આવેલી બોટ સંબંધિત માછીમાર અને બોટ સાથે સંકળાયેલ સ્થાનિકો સાથે સ્થળ પર બેઠક કરવામાં આવી હતી. 

બેઠક દરમિયાન માછીમારો અને સ્થાનિકોને દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરુરી તકેદારી રાખવા તેમજ તેમણે ગભરાયા વિના શું પગલાંઓ ભરવાના રહે તે બાબતે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે રાજુલા જાફરાબાદ પ્રાંત અધિકારી ડૉ. મેહુલ બરાસરા, મત્સ્યોદ્યોગ, વહીવટી તંત્ર, ફાયર સહિત વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મયોગીઓ તેમજ સ્થાનિકો જોડાયાં હતાં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક