• મંગળવાર, 10 જૂન, 2025

આગામી 6 દિવસ 7 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજકોટ, બાબરામાં એક ઈંચ અનરાધાર વરસાદ : ખાંભા પંથકના ખેડૂતો આજથી વાવણીના શ્રીગણેશ કરશે

અમદાવાદ, રાજકોટ, તા.7 : રાજ્યમાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 7થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આવતીકાલે રવિવારે 8 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે આજે રાજકોટ અને બાબરામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં વરસાદી  માહોલ છે. આ દરમિયાન અમરેલીના ધારી, ખાંભા, વડિયા, સાવરકુંડલા, લાઠી, રાજુલા, ગીર પંથક સહિતના અનેક સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે હવામાન પલટાતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ રાજકોટ શહેરમાં જૂન મહિનાનો પહેલો વરસાદ આજે બપોર પછી વરસ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, 7 જૂન, શનિવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ દરજ્જે વરસાદ પડી શકે છે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે અને ભેજ વધી જવાથી છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. જે મુજબ આજરોજ વરસાદ થયો છે. 

9 જૂનના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10થી 13 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

બાબરા શહેર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોએ આગોતરી રીતે કોરી જમીનમાં કરેલા કપાસના વાવેતરમાં મોટો લાભ થશે એમ ધરતીપૂત્રો માની રહ્યા છે. ખાંભાના વિસાવદર, ભાડ ગામની શેરીઓમાં વરસાદ વરસ્યો હતો. ખાંભા પંથકમાં ખેડૂતો આવતીકાલથી વાવણીના શ્રીગણેશ કરશે.

આ ઉપરાંત રાજુલાના જૂની માંડરડી, ધારેશ્વર સહતના ગામોમા પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ બાબરા અને લાઠી પંથક પણ મેઘ મહેરનો સાક્ષી બન્યો હતો. બાબરામાં ભર તડકામાં વરસાદ થયા બાદ ઢળતી સંધ્યાએ ધોધમાર વરસતા બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. બાબરાના ગળકોટડી, ખાખરિયા, દરેડ, જામબરવાળા સહિતના ગોમાં પણ વરસાદ વરસ્યાના વાવડ છે.


બોટાદ : બોટાદ શહેરમાં આજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી ઝાપટું પડયું હતું. વરસાદના પગલે શહેરના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક