• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

સુરતમાં દંપતીએ સગીરાને દીકરી બનાવી દેહ વ્યાપારમાં ધકેલી

પોલીસે દંપતી સહિત ચારની ધરપકડ કરી

સુરત, તા. 1 : સુરત સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ તેણીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાને અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધો બંધાવી દંપતીએ પૈસા કમાવાનું ચાલુ કરી દીધું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેરમાં રહેતી એક સગીરાને તેના માતા-પિતા લગ્ન માટે દબાણ કરતા હતા પરંતુ સગીરાએ તે યુવક સાથે લગ્ન કરવા ન હતાં. જેથી તે પોતાનું ઘર છોડી તેની બહેનપણી મારફતે સુરતમાં રાણી તળાવ પાસે આવેલય મદ્રેસા પાસે નાલબંધવાડમાં રહેતા સબીના મોહમ્મદ સાજીદ મિયા મોહમ્મદ નાલબંધ પાસે આવી હતી. સબિનાએ અને તેના પતિ મોહમ્મદ સાજીદ મિયાએ સગીરાને પોતાની દીકરી બનાવી ઘરમાં આશરો આપ્યો હતો. સબીના અને તેનો પતિ મોહમ્મદ સાજીદ મિયાએ ભેગા મળી સગીરાને નશાકારક પદાર્થ પીવડાવી દીધો હતો અને બાદ પૈસા કમાવાની લાલચમાં ભરી માતા રોડ પર ફૂલવાડી ખાતે મદીના મસ્જિદ પાસે રહેતા કાદિર સદિક ધોબી પાસે સોંપી દીધી હતી અને તેમણે પોતાની શારીરિક હવસ પૂરી કરી મોહમ્મદ સાજીદ અને તેની પત્ની સબીનાને સગીરા પરત કરી હતી. છેલ્લા થોડા દિવસથી અવારનવાર મોહમ્મદ સાજીદ મિયા અને તેની પત્ની સબીનાએ સગીરાને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ તેમની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે મોકલી દેહવ્યાપરના ધંધામાં ધકેલી દીધી હતી. જોકે આ દરમિયાન ઘેનમાંથી બહાર આવ્યા બાદ સગીરાને કેટલીક હકીકતો માલુમ પડતા તેણી ત્યાંથી ફરતા ફરતા મદદની આશમાં લિંબાયત વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં તેણે એનજીઓ ચલાવતી એક મહિલાનો સંપર્ક કર્યો હતો. જેથી એનજીઓ ચલાવતી મહિલા સહિતના લોકો ભેગા મળી સગીરાને લઈ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં તેઓએ પોલીસને સઘળી હકીકત જણાવતા પોલીસે ગણતરીના કલાકોમાં દરોડો પાડી નરાધમ દંપતીને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ અન્ય બે આરોપીને પણ પોલીસે ઝડપી લીધા હતા.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક