• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

સુરત એરપોર્ટ પરથી 1.70 કરોડના ડ્રગ્સ સાથે સ્મગલર ઝડપાયો

પોલીસ તપાસમાં બેગના ઉપર નીચેના પડમાંથી ડાઇડ્રોપોનિક ડ્રગ્સ મળી આવ્યું 

સુરત, તા. 1 : બેંગકોકથી સુરતની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં થોડા દિવસો પહેલા આવેલા મુંબઈના સ્મગ્લરને સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે રૂ. 1.41 કરોડથી વધુનો હાઈબ્રીડ ગાંજો સાથે ઝડપી લીધો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા તેની પાસેની ટ્રોલી બેગના ઉપર નીચેના પડમાં સંતાડેલા રૂ. 1.70 કરોડનુ હાઇડ્રોપોનિક ડ્રગ્સ મળી આવતા પોલીસે ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી મળી હતી કે ગત તા. 17 નવેમ્બરે સાંજે બેંગકોકથી સુરતની એર ઇન્ડિયાની ફ્લાઇટ આઇ.એક્સ-263માં એક મુસાફર માદક પદાર્થ લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ એરપોર્ટ ઉપર પહોંચી ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના કરસ્ટમસના અધિકારીઓ અને સીઆઈએસએફની ટીમને પણ માદક પદાર્થની હેરાફેરી કરનાર મુસાફરને રાઉન્ડ અપ કરવા પોતાની સાથે રાખી હતી. દરમિયાન શકદાર મુસાફર મોટી ટ્રોલી બેગમાં હાઈબ્રીડ ગાંજાનો જથ્થો લઈ સુરત એરપોર્ટના પ્રથમ માળે આવેલા ઇન્ટરનેશનલ એરાઈવલ એરીયામાં પહોંચતા જ પોલીસે તેને પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસે તેના સામાનની તલાસી લેતા બાળકોના ડ્રોવીંગ બોર્ડ સહિતના અલગ-અલગ બોક્સમાં છુપાવેલા હાઇડ્રોપોનિક વીડ(હાઇબ્રીડ ગાંજા)ના 8 પેકેટ આ ગાંજાનો જથ્થો 4 કિલોથી વધુનો હતો અને જેની કિ.રૂ.1.41 કરોડ આંકવામાં આવી હતી. પોલીસે આ આરોપી જાફરખાન ઉર્ફે જાફર મોબાઇલવાલા અકબર ખાન(ઉં.56, રહે.આઇલાઇન, બી-સેક્ટર,ચિતા કેમ્પ, ટ્રોમ્બે(ઇસ્ટ, મુંબઈ)ની  ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

રીમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આરોપી જાફરખાન પાસેથી જે બેગ પકડાઈ છે એમાં હજુ પણ ડ્રગ્સનો મોટો જથ્થો છુપાયેલો છે. આ સાંભળીને પોલીસ પણ ચોકી ઊઠી હતી, કારણ કે બેગ તો પહેલેથી જ પોલીસના કબજામાં હતી અને ખાલી દેખાતી હતી પરંતુ તેણે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી કે આ જ લગેજ બેગમાં કન્સિલ કરીને હજી બીજો મોટો જથ્થો પડયો છે, જે કોઈને દેખાયો નથી. આરોપીના કહેવા બાદ ફરીથી એ બેગની તપાસ કરતા બેગના ઉપર અને નીચેના પડમાંથી વધુ 4.852 કિ.ગ્રામ હાઈબ્રિડ ગાંજો કિ.રૂ. 1.70 કરોડ મળી આવતા પોલીસે આ ગાંજાનો જથ્થો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક