• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ઠંડીમાં આંશિક ઘટાડો : નલિયા અને ગિરનારમાં 6 ડિગ્રી

તાપમાન એક થી બે ડિગ્રી સુધી ઉંચકાયું : આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે

રાજકોટ તા.12: સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાં આજે આંશિક ઘટાડો નોંધાયો છે. ઉત્તર-પૂર્વીય પવનોની દિશામાં થયેલા ફેરફાર અને પવનોની ગતિ ધીમી પડતા રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે, જેના કારણે નાગરિકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. રાજયનું સૌથી ઠંડું શહેર ગણાતા નલિયામાં આજે લઘુતમ તાપમાન 6 ડિગ્રી અને ગિરનાર ઉપર પણ 6 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનોનો ચમકારો જારી રહેશે. આજથી રાજ્યમાં ઠંડીનું જોર હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. રાજકોટમાં આજે તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ સ્થિર થતા રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. હાલમાં પશ્ચિમી વિક્ષેપની અસર અને પવનોની બદલાતી દિશાને કારણે લઘુત્તમ તાપમાનમાં આ વધારો જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતા અને તાપમાન ઊંચકાયું હોવાથી વહેલી સવારે હવે ઠંડા પવનોનું જોર ઓછું અનુભવાઈ રહ્યું છે.

જુનાગઢ: શિયાળો જમાવટ પકડતા સર્વત્ર ઠંડાગાર છવાયો છે આજે પણ ગિરનાર પર્વતમાં તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. જયારે જુનાગઢ શહેરમાં તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક