મેલબોર્ન તા.17: ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની કપ્તાન-વિકેટકીપર અને 8 વિશ્વ ખિતાબ જીતનારી દુનિયાની સૌથી સફળ ક્રિકેટર પૈકિની એક એલિસા હિલીએ 16 વર્ષની શાનદાર ઇન્ટરનેશનલ કેરિયર પર પૂર્ણવિરામ મુકવાની જાહેરાત કરી છે. એલિસા હિલી ઘરઆંગણે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતીય મહિલા ટીમ વિરૂધ્ધ રમાનાર મલ્ટી ફોર્મેટ સિરીઝ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થશે. હિલી વર્ષ 2023ના અંતમાં ઓસિ. ટીમની કપ્તાન બની હતી. ભારત સામેની આખરી શ્રેણીમાં તે ટી-20 સિરીઝનો હિસ્સો બનશે નહીં, પણ વન ડે શ્રેણી રમશે અને 6થી 9 માર્ચ દરમિયાન વાકામાં રમાનાર ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ઉતરીને કેરિયરનો અંત કરશે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે એલિસા હિલી ઓસ્ટ્રેલિયાની પુરુષ ક્રિકેટ ટીમના સફળ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની પત્ની છે. હિલીએ 2010માં 19 વર્ષની વયે ઓસ્ટ્રેલિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેણીના નામે વન ડે ક્રિકેટમાં 3પ00થી વધુ અને ટી-20 ઇન્ટરનેશનલમાં 3000થી વધુ રન છે. એલિસા હિલી 6 ટી-20 વિશ્વ કપ ખિતાબ અને બે વન ડે વર્લ્ડ કપ ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયા ટીમનો હિસ્સો રહી ચૂકી છે.