• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

રાજકોટ: પ્રેમ પ્રકરણમાં યુવકની લોથ ઢળી

પતંગ કાપવાના દિવસે કપાઈ જીવનદોરીઓ : રાજ્યમાં પાંચ હત્યા

રાજકોટ અને લીંબડીમાં પ્રેમપ્રકરણને લીધે ખૂનની ઘટના

ગોંડલમાં પતંગ ચગાવવા બાબતે થયેલો ઝઘડો હત્યામાં પલટાયો

મોરબીમાં ફુગ્ગાવાળાની, અમદાવાદમાં વૃદ્ધની હત્યા

રાજકોટ, લીંબડી, ગોંડલ, મોરબી, અમદાવાદ તા. 15: (ફૂલછાબ ન્યૂઝ) એકતરફ મકર સંક્રાંતિનું પર્વ ઉજવાઈ રહ્યું હતું. લોકો એકમેકની પતંગો કાપવામાં પોતાની પતંગ ચગાવવામાં મશગૂલ હતા તે દરમિયાન જ અમદાવાદ સહિત રાજ્યમાં હત્યાના પાંચ બનાવ બન્યા છે. પતંગો કાપવાના દિવસે લોકોએ કોઈની જીવાદોરી કાપી નાંખી. રાજકોટમાં યુવકની હત્યા પ્રેમ પ્રકરણને લીધે થઈ હોવાનું બહાર આવ્યું છે. ગોંડલમાં પતંગ ઊડાડવા જેવી સામાન્ય બાબતે એક વ્યક્તિનું ખૂન થયું છે. મોરબીમાં ફુગ્ગા વેંચતા એક્ વ્યક્તિની હત્યા થઈ. લીંબડીમાં પણ ત્રી પાત્રને લીધે એક હત્યા થઈ છે જ્યારે અમદાવાદમાં એક વૃદ્ધનું ખૂન થયું છે.  સપરમા દહાડે પાંચ પાંચ હત્યાથી અરેરાટી ફેલાઈ છે.

પ્રેમિકાએ વર્તમાન પ્રેમી સાથે રહી કાસળ કાઢવી નાખ્યાની આશંકા

રાજકોટ, તા.15: રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિના દિવસે છરીના ઘા ઝીંકી નાની વાવડીના યુવકની બે રહેમીથી હત્યા કરવામાં આવી હતી. પોલીસે વર્તમાન પ્રેમી અને પ્રેમિકા તથા પ્રેમિકાના પરિવારજનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેનો દીકરો સાવન (ઉં.વ.25) અહીં રાજકોટમાં રહી અને છુટક મજૂરી કામ કરે છે, સાવને દોઢ-બે વર્ષ પહેલા વર્ષા ગોપાલભાઇ ગઢવી નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બન્ને ઘનશ્યામનગરમાં સાથે રહેતા હતા, બાદ બન્નેને મનમેળ નહીં રહેતા દોઢ મહિના પહેલા અલગ રહેવા લાગ્યા હતા.  થોડા દિવસ પૂર્વે રાજકોટથી વર્ષાના પ્રેમીનો ફોન આવ્યો હતો અને દર્શન ભૂદેવ બોલે છે તેમ કહી ઓળખાણ આપી હતી અને સાવનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, ત્યાર બાદ થોડા દિવસ પહેલા સાવન કાલાવડ આવ્યો હતો અને પિતા પાસેથી રૂપિયાની માગણી કરી હતી પરંતુ પિતા પાસે પૈસાનો વેત નહીં થતાં રૂપિયા આપવાની ના પાડી હતી. બાદ પિતા-પુત્રને કોઈપણ વાત-ચીત થઈ હતી નહીં.

ત્યારબાદ તા.14ના સાંજના સમયે રાજકોટથી કોઇ પોલીસનો ફોન આવેલો અને મને જાણ કરેલી કે મારા દીકરા સાવનને રાજકોટમાં સહકાર રોડ ઉપર છરીઓના ઘા મારી દીધા છે અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગયા છે, તમે તાત્કાલીક આવી જાવ આમ વાત કરતા હું તથા મારા મિત્ર અને ભાગીદાર રાજેશભાઇ મગનભાઇ ઉનાગર બન્ને અમારા ગામથી અહીં રાજકોટ આવવા નીકળ્યો હતો અને સિવિલ હોસ્પિટલે આવી જોતા સાવનનો મૃતદેહ દેખાયો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધી વર્ષા તેના પ્રેમી દર્શન ઉર્ફે ભૂદેવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક