• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

કિંગ કોહલી 5 વર્ષ પછી ફરી નંબર વન બેટર

રાજકોટની સદીને લીધે કિવિઝનો ડેરિલ મિચેલ લગોલગ

રાજકોટ, તા.1પ: શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહેલ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ ફરી એકવાર આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. જો કે તેનું ટોચનું સ્થાન કિવિઝ બેટર ડેરિલ મિચેલ છીનવી શકે છે. તેણે રાજકોટ વન ડેમાં અણનમ સદી ફટકારી ન્યુઝીલેન્ડને જીત અપાવી હતી. કોહલીએ પહેલા વન ડેમ 93 રનની ઇનિંગ રમી હતી. આથી તે સાથી ખેલાડી રોહિત શર્માને ખસેડી નંબર વન બેટર બન્યો છે. 37 વર્ષીય વિરાટ કોહલીએ જુલાઇ 2021 બાદ પહેલીવાર ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તે હવે 78પ રેટિંગ પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે. કોહલીએ પહેલીવાર 2013માં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. હવે તે પોતાની કેરિયર દરમિયાન 11મી વખત આઈસીસી ક્રમાંકમાં ટોચનો બેટધર બન્યો છે.  આ દરમિયાન તે કુલ 82પ દિવસ સુધી ટોચ પર રહ્યો છે.

આઇસીસી વન ડે બેટિંગ ક્રમાંકમાં રોહિત શર્મા ત્રીજા નંબર પર ખસી ગયો છે. તેના ખાતામાં 77પ પોઇન્ટ છે. જયારે વડોદરામાં 84 રનની ઇનિંગ રમનાર કિવિઝ બેટર ડેરિલ મિચેલ કોહલીથી ફક્ત એક પોઇન્ટ દૂર રહી બીજા ક્રમે છે. તેના ખાતામાં 784 પોઇન્ટ છે. મિચેલે રાજકોટમાં મેચ વિનિંગ સેન્ચૂરી ફટકારી હતી. આથી આવતા સપ્તાહે જ્યારે આઇસીસી નવી ક્રમાંક યાદી જાહેર કરશે ત્યારે મિચેલ કોહલીને ખસેડી નંબર વન બેટર બની શકે છે. રાજકોટમાં કોહલી (23) નિષ્ફળ રહ્યો હતો જ્યારે મિચેલે 131 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારતીય બેટધરોમાં કપ્તાન શુભમન ગિલ 72પ અંક સાથે પાંચમા અને શ્રેયસ અય્યર 682 અંક સાથે 10મા નંબર પર છે.

ઇ-પેપરના નવા શુલ્ક