• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

કાલે ‘કાઈપો છે’નો ગુંજશે નાદ : પતંગબાજો માટે પવન રહેશે સાનુકૂળ

ઉત્તરાયણના પર્વ પર એટલે કે તા.14 અને 15એ પવનની ઝડપ 5થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા

સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે જે પતંગબાજો ઉત્તમ સાબિત થશે

રાજકોટ, અમદાવાદ, તા.12: એક જ દિવસ બાકી રહ્યો છે અને પછી એ સવાર ઉગશે, જ્યારે આખું ગુજરાત ઉતરતા શિયાળાના હૂંફાળા તડકામાં અગાશી અને ધાબાં પરથી આકાશ સામે તાકતું ઉભું હશે. એ સવારે આકાશ કોઈ વિશાળ કેન્વાસ જેવું લાગશે અને એમાં વિવિધ રંગ અને આકારોના અસંખ્ય પતંગો અવનવી ભાત રચવા લાગશે. ત્યારે દરેક પતંગરસિકોના મનમાં અનુકૂળ પવન માટે પ્રાર્થના ચાલતી હશે. એમના માટે આનંદના સમાચાર સામે આવ્યા છે કે તા.14 અને 15ના રોજ રાજયમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂજ સાનૂકૂળ રહેશે. જો કે સમગ્ર રાજયમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જેનાથી પતંગબાજોએ ધાબા પર ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગ મુજબ 14-15 જાન્યુઆરીના રોજ પવનની ઝડપ 5થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં 14મી જાન્યુઆરીએ પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે જ્યારે 15મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે, જે પતંગબાજો માટે પતંગ ચગાવવા માટે ઉત્તમ સાબિત થશે. આમ, ઉત્તરાયણના પર્વ પર આકાશમાં પતંગોની પેચબાજી માટે પવનનો સાથ મળશે, પરંતુ સાથે સાથે કડકડતી ઠંડીનો ચમકારો પણ અકબંધ રહેશે. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાનમાં પણ સતત વધ-ઘટ જોવા મળશે. આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થશે, પરંતુ ત્યારબાદના 4 દિવસમાં પારો 2થી 3 ડિગ્રી જેટલો ગગડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક