• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

બાબરાના ગરણી ગામે પ્રચંડ ધડાકો, મકાન ધરાશાયી

4 કિલોમીટર સુધી ગુંજ્યો ગેબી અવાજ : પાંચ રૂમનું મકાન પત્તાના મહેલની જેમ વેરવિખેર

સિલિન્ડર ફાટ્યો નથી તો મકાન કેવી રીતે ધરાશાયી થયું ? તપાસનો વિષય

બાબરા, કોટડાપીઠા તા.17

બાબરાના ગરણી ગામે આજે વહેલી સવારે કુદરતનો એવો કરિશ્મો અને કહેર જોવા મળ્યો કે સાંભળનારના કાળજા કંપી ઉઠ્યા છે. ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા નાગજીભાઈ શામજીભાઈ ચોપડાના સુખરૂપ પરિવાર પર વહેલી સવારે 4 વાગ્યે આભ તૂટી પડ્યું હતું. કોઈ રહસ્યમય અને ભેદી ધડાકાએ જોતજોતામાં આખું મકાન કાટમાળમાં ફેરવી નાખ્યું હતું. આ ઘટના કોઈ ભૂકંપથી ઓછી નહોતી, જેના કારણે સમગ્ર પંથક ’ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે. નાગજીભાઈનું પાંચ રૂમ અને રસોડાવાળું મજબૂત સ્લેબબંધી મકાન ક્ષણભરમાં ખંડેર બની ગયું હતું. ધડાકો એટલો ભયાનક હતો કે ઘરના બારી-દરવાજા જાણે તોપના ગોળાની જેમ ઉછળીને બહાર પડ્યા હતા.

મકાન માલિકના જણાવ્યા મુજબ, આ આકસ્મિક હોનારતમાં અંદાજે 20 થી 25 લાખ રૂપિયાનું માતબર નુકસાન થયું છે. આખું ઘર હવે રહેવા લાયક રહ્યું નથી, માત્ર પથ્થરોનો ઢગલો બની ગયું છે.

ગામના સરપંચ દામજીભાઈ લીંબાસિયાએ જણાવ્યું હતું કે, પરિવાર ગાઢ નિદ્રામાં હતો ત્યારે અચાનક થયેલા વિસ્ફોટે સૌને જગાડી દીધા. મકાન પડવાની શરૂઆત થઈ અને પરિવારે સેકન્ડોના ભાગમાં બહાર દોટ મૂકી, અને જીવ બચાવ્યો. નવાઈની વાત એ છે કે આ ધડાકાનો અવાજ આજુબાજુના 3-4 કિલોમીટર દૂરના ગામો સુધી સંભળાયો હતો.

ઘટનાની જાણ થતા જ તાલુકા વિકાસ અધિકારી શિરોયાએ તલાટી મંત્રી સહિતની ટીમ દોડાવી હતી. તપાસ દરમિયાન ગેસ લાઈન સુરક્ષિત હોવાનું જણાયું છે, જેનાથી આ ધડાકો વધુ રહસ્યમય બન્યો છે. અધિકારીઓના મતે આ કોઈ જમીની લેવલની આંતરિક હલચલ અથવા ભૂગર્ભીય ફેરફાર હોઈ શકે છે. હાલ તંત્ર દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીઓની મદદ લેવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ અકલ્પનીય ઘટનાએ ગરણી ગામના લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે જો ગેસ નથી, ભૂકંપ નથી, તો આ પ્રચંડ ધડાકો શેનો હતા ઁ? ગ્રામજનોની માંગ છે કે ઉચ્ચ સ્તરીય તપાસ થાય જેથી ખબર પડે કે જમીનની અંદર શું રંધાઈ રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક