ગુજરાત ATSને મધદરિયે કાર્યવાહી: બે ઇરાની ઝડપાયા, નાની સ્પીડ બોટનો ઉપયોગ કરીને ઘૂસાડવામાં આવતું હતું ડ્રગ્સ : ઇરાનથી પંજાબ ડ્રગ્સ પહોંચાડવાની કબૂલાત
પોરબંદર,
તા.17: દરિયાઇ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસાડવાના નશાનો કારોબાર કરનારાઓના
મનસૂબાને ફરી એકવાર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યા
છે. પોરબંદર નજીક ભારતીય જળસીમામાં 200 કિલોના ડ્રગ્સ સાથે એક ફાશિંગ બોટ પકડવામાં
આવી છે. આ સંયુક્ત ઓપરેશનમાં બે ઇરાની લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં
આવી છે અને તેઓને પોરબંદર લાવવાની કાર્યવાહી
હાથ ધરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઇન્ટ ઈન્વેસ્ટીગેશન શરૂ થયું છે.
એ.ટી.એસ.ને
એવી ચોકકસ માહિતી મળી હતી કે પોરબંદરથી 140 નોટીકલ માઇલ દૂર સમુદ્રમાંથી એક બોટ પસાર
થવાની છે. જેમાં મોટી માત્રામાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે તેથી એ.ટી.એસ.ની ટીમે
દરિયાની અંદર જ તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ જણાતી સ્પીડ બોટને અટકાવીને
તેમાંથી તપાસ હાથ ધરતા ઇરાનના બે નાગરિક મળી આવ્યા હતા અને 203 કિ.ગ્રાથી વધુ માત્રામાં
ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાથી એ.ટી.એસ.ના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. તેઓની આકરી
પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
એ.ટી.એસ.ના
અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમિયાન જ ગુજરાતમાંથી 2240 કરોડનું સીન્થેટીક
ડ્રગ્સ પકડાયું છે અને ગુજરાતના વિશાળ દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘૂસાડીને ગુજરાત સહિત દેશના
અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો હોય છે ત્યારે ચોક્કસ પ્રકારની માહિતી પ્રાપ્ત થઇ હતી
અને તે અનુસંધાને આઇ.એમ.બી.એલ. નજીક જઇને શંકાસ્પદ જણાતી સ્પીડ બોટને અટકાવવામાં આવી
હતી. પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારમાંથી આ ડ્રગ્ઝ મોકલવામાં આવ્યું છે અને બોટમાંથી
ખાવા પીવાનો થોડા દિવસોનો સામાન પણ મળી આવ્યો છે તેથી ટૂંકા સમયગાળા માટે આ ડિલિવરી
કરવાની હોવાનું જાણવા મળ્યું છે સ્પીડ બોટને કારણે તાત્કાલિક મુદામાલ નિયત જગ્યાએ પહોંચાડીને
વહેલી તકે ઈરાન પહોંચી જવાના મલીન ઇરાદા ઉપર એ.ટી.એસ.એ પાણી ફેરવી નાખ્યું છે.
એ.ટી.એસ.ની
ટીમે પકડેલા બે ઈરાની ઈસમો અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સતાર કાદર બક્ષની પોરબંદર
ખાતે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓએ એવી પ્રાથમિક
કબુલાત આપી છે કે ઈરાન ખાતેથી તેઓ ડ્રગ્ઝનો જથ્થો લઈને નીકળ્યા હતા અને પંજાબ ખાતે
પહોંચાડવાનો હતો.
---------------
છેલ્લા
10 વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ડ્રગ્સ પકડાયું
ગુજરાતના
દરિયાકાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિ પર અંકુશ મેળવાયા પછી ગુજરાતમાં ગેરકાયદે
સિન્થેટીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઉપર પસ્તાળ પાડવામાં આવી છે. વર્ષ 2025માં જ ગુજરાતમાંથી
2240 કરોડ રૂપિયાની કિંમતનું સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. ખાસ કરીને
દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે ધમધમતી અડધો ડઝન જેટલી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી.
આ ફેક્ટરીઓમાંથી 2240 કરોડ રૂપિયાનું 20823 કિલો સિન્થેટીક ડ્રગ્સ પકડી પાડમાં આવ્યું
છે. છેલ્લા 10 વર્ષ દરમિયાન ગુજરાતમાંથી કુલ 13,939 કરોડ રૂપિયાની કિંમતનું 1.74 લાખ
કિલો સિન્થેટીક ડ્રગ્સ એજન્સીઓએ પકડી પાડ્યું છે.