ટોળાએ આદિવાસી પરિવારને જીવતા જલાવી દેવા મકાન ઉપર પેટ્રોલનાં કાકડા ફેંકી આગ ચાંપી : એક મહિલા ગંભીર
તાલાલા
ગીર,તા.21:
તાલાલા તાલુકાનાં જાવંત્રી ગીર ગામે કોર્ટના હુકમ
મુજબ આદિવાસી પરિવારને સોંપેલી ખેતીની જમીન પરત લેવા શુક્રવારે મોડી રાત્રે 10 વાગ્યા
આસપાસ આઠ શખ્સોનું ટોળું દેશી જામગરી બંદૂક,પેટ્રોલ ભરેલી કાચની બોટલો લઈ આદિવાસી પરિવાર
ઉપર ત્રાટકતા આખા ગામમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો.
આ બનાવ
અંગે પોલીસ કાસમભાઇ રમઝાનભાઈ બાદરાણી જાતે અનુસૂચિત જનજાતિ ઉ.વ.45 ની ફરિયાદ લઈ આઠ
શખ્સો સામે ગુનો દાખલ કરી આંકોલવાડી ગીર પોલીસ સ્ટેશન મહિલા પી.એસ.આઇ પૂર્વાબેન ધનેશાએ
તપાસ શરૂ કરી છે
પોલીસમાંથી
પ્રાપ્ત વિગત પ્રમાણે જાવંત્રી ગીર ગામના બસીરભાઈ જીવાભાઇ બાદરાણીની લીમધ્રા ગીર સીમ
વિસ્તારમાં ખેતીની 54 વીઘા જમીન આવેલી છે.વર્ષો પહેલા આ જમીન જમાલભાઈ ચકુરભાઈ મોરીના
પરિવારને ભાગીયું આપ્યું હતું. ભાગીયું રાખ્યાં બાદ આ પરિવારે જમીનમાં કબજો જમાવી દેતા
જમીન પરત લેવા નામદાર કોર્ટમાં દાવો દાખલ કરેલો જેમાં ગત તા.23/12/2023 ના રોજ કબજો
ખાલી કરી મુળ ખાતેદાર માલિકને પરત સોંપવા કોર્ટે હુકમ કર્યો હતો જેના અંતર્ગત તા.19/12/2026
ના રોજ પોલીસની હાજરીમાં આ જમીનનો કબજો મૂળ ખેડૂતને સોંપ્યો હતો ત્યારબાદ જાવંત્રી
ગીર ગામના લીમધ્રા સીમ વિસ્તારમાં આવેલી આ જમીનના મકાનમાં પરિવાર રહેવા જતો રહ્યો હતો.
શુક્રવારે મોડી રાત્રે આઠ લોકોનું ટોળું વાડી ઉપર આવી ચડયું હતું.ટોળાએ દેશી જામગરી
બંદૂકમાંથી ફાયારિંગ કરી જમીન ખાલી કરી બધા જતા રહો નહીંતર જીવતા સળગાવી દેવાની ધમકી
આપી મકાન ઉપર કાચના સીસામાં રાખેલા પેટ્રોલમાંથી કાકડી બનાવી મકાન ઉપર ફેંકી આગ લગાડતા
પરિવારમાં નાશ ભાગ મચી ગઈ હતી.દેકારો થતા ગામમાંથી સરપંચ અલ્તાફભાઈ બ્લોચ તથા લોકો
બનાવના સ્થળે દોડી આવ્યા હતા.સરપંચે આગને કાબુમાં લેવા વેરાવળ થી ફાયર બ્રિગેડ બોલાવી
આગ કાબુમાં લીધી હતી ત્યારબાદ સરપંચે 108 બોલાવી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે
વેરાવળ હોસ્પિટલે લાવ્યા હતા જેમાં હુસેનાબેન અબ્દુલભાઈ બાદરાણી ઉ.વ.75 ને ગંભીર ઇજા
થતાં વેરાવળ થી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા છે જ્યારે રેહાનાબેન ઉમરભાઈ બાદરાણી
ઉ.વ.29 તથા તેમના પુત્ર તાહિદ ઉકાભાઇ ચોટિયારા ઉ.વ.07 ને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં
દાખલ કર્યા હતાં.આગમાં અસરગ્રસ્ત પરિવારની ઘરવખરી બળી જતાં નાશ પામી છે.
આ બનાવ
અંગે પોલીસે ફરિયાદ લઈ મમદહ્નસેન કાસમભાઇ મોરી,રફિક કાસમભાઇ મોરી,અકરમ કાસમભાઇ મોરી
રે.બધા જાવંત્રી ગીર તથા ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ તથા હથિયાર ધારાની
કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે.