• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

સરકારી મગફળીનો ભારે ઊંચા ભાવથી પ્રથમ સોદો

            એનસીસીએફ દ્વારા વેચાણ શરૂ કરાતા 824.2385 ટન નવી મગફળી વેચાઇ

રાજકોટ, તા.20 (ફૂલછાબ ન્યૂઝ) : સરકારી મગફળીનું વેચાણ શરૂ થયા પછી પ્રથમ સોદો શુક્રવારે પડયો હતો. જેનો ભાવ ભારે ઉંચો બોલાતા વેપારીઓ નિરાશ થયા હતા. સીંગદાણા અને સીંગતેલ બજારની પરિસ્થિતિને લક્ષ્યમાં લેતા મગફળીનો સોદો મોંઘા ભાવે થયો હતો. વેપારીઓએ એવી માગ કરી હતી કે સંસ્થા જો ઉંચો નફો લેવાની વૃત્તિ રાખશે તો વેપાર સાવ ઠપ થઇ જશે. નેશનલ કો ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પોણા સાત લાખ ટન જેટલી મગફળીની ખરીદી રૂ. 1452ના ભાવથી કરી હતી. જ્યારે પ્રથમ સોદો રૂ. 1617.40ના ભાવથી થયો હતો. રખિયાલના ગુજરાત વેરહાઉસીંગ કોર્પોરેશનના ગોદામમાંથી 824.2385 ટન મગફળી વેંચાઇ હતી. 2024ના વર્ષની મગફળી રૂ. 1128ના ભાવથી મુંદ્રા વેરહાઉસમાંથી 23.8254 ટન વેચાઇ હતી.

દાણાના એક અગ્રણી બ્રોકરે કહ્યું કે, સંસ્થાએ ખૂબ ઉંચા ભાવમાં સોદો પાડયો છે. આ ભાવથી મગફળી ખરીદીને દાણા બનાવવાનું પોસાય નહીં. તેલ મિલોને તો પડતર બેસવાની કોઇ શક્યતા જ નથી. દાણા બનાવીને વેચવા હોય તો પણ રૂ. 80.87 ઉપર આશરે રૂ. 30નો ખર્ચો લાગે છે. આમ રૂ. 110-111માં દાણાની પડતર થાય છે. સંસ્થાઓ વાસ્તવિક અને બજારને

સમકક્ષ ભાવથી વેચાણ કરે તો જ ફટાફટ મગફળી ખપશે. ગુજરાતભરમાં 18 લાખ ટન મગફળીની ખરીદી ટેકાના ભાવથી ખરીદ કરવામાં આવી છે. નાફેડ હજુ ક્યારે વેચાણ માટે આવશે તેની કોઇ જાહેરાત થઇ નથી.

વેપારી આલમમાં એવી ચર્ચા છેકે સરકારી ખરીદીમાં ભારે ગોલમાલ થઇ છે. મોટાંભાગના ગોદામોમાં અત્યંત નબળી, બગડેલી, સડેલી, માટીવાળી મગફળી ભરી દેવામાં આવી છે. આમ અત્યારે વેપારીઓ કે ખરીદનારાઓ પણ ફૂંકી ફૂંકીને ગોદામ પસંદ કરીને બિડ ભરે એમ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક