• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

મોરબીના સોની યુવાનની હત્યાના વિરોધમાં રાજકોટ, વાંકાનેર, ચોટીલામાં સોની બજાર બંધ

સોની વેપારીઓએ એકત્રિત થઈને રોષ પ્રગટ કરી હત્યારાઓને કડક સજા કરવાની માગ ઉઠાવી

મોરબી, તા.21 : મોરબીમાં રહેતા જતિન સોની નામના યુવાનની રાત્રીના સરા જાહેર હત્યાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. મોરબી બાદ આજે રાજકોટ સોની બજાર બંધ રહી હતી, વાંકાનેરમાં પણ સોની વેપારીઓએ અડધો દિવસ બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો.

મોરબી સોની યુવાનની હત્યાના સોની સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. મોરબીની સોની બજાર શુક્રવારે બંધ રાખી સોની વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. આજે રાજકોટ સોની બજારે પણ અડધો દિવસ બંધ રાખ્યું હતું. વાંકાનેર સોની બજારના વેપારીઓએ પણ અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. 40થી વધુ સોની વેપારીઓએ રોડ પર એકત્રિત થઈને રોષ પ્રગટ કરી હત્યારાઓને કડક સજા કરવાની માગ કરી છે. આવી જ રીતે યાત્રાધામ ચોટીલામાં વીશા શ્રીમાળી સોની સમાજ અને નવ નાત વણિક સમાજની આગેવાની હેઠળ શહેરના વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખી ઘટનાને વખોડી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં ગુનાની ગંભીરતા ધ્યાને લઇને તાત્કાલીક અને દૃઢ પગલા ભરાય અને ભોગ બનનાર પરિવારને તથા સુર્વણકાર સમાજને ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે. 

બોટાદના સોની વેપારીઓએ બજાર બંધ રાખી લીમડા વાળા ચોક, ઢાળ બજાર અને અંબાજી ચોક વિસ્તારમાં એકઠા થયા હતા. હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા કરવાની માગ કરી હતી.

રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી

રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી જણાવ્યું છે કે, મોરબી શહેરમાં સોની જતીન આડેસરાની ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે હત્યા કરવામાં આવી તે દુ:ખદ અને ચિંતાજનક છે. આવી ખુલ્લેઆમ થયેલી હત્યાથી નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. આ કેસમાં ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ છે. આ ઘટના એક પરિવાર માટે નહીં પરંતુ જાહેર રસ્તો વાપરનાર તમામની સલામતી માટે ચિંતા ઉપજાવનાર હોવાથી દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા માગ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક