• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

નિકાસકારોને મળતા નાણાકીય પ્રોત્સાહનોમાં 50 ટકાનો કાપ

રોડટેપ યોજનાના લાભ અર્ધા કરી નંખાયા? સીંગદાણા, તેલ, તેલિબિયાં, કપાસ, જીરું, મસાલાના નિકાસકારોને અસર થશે

રાજકોટ, તા.23: (ફૂલછાબ ન્યૂઝ) ટેરિફ વોરને લીધે ભારતની નિકાસ અગાઉથી જ પ્રભાવિત થઇ ચૂકી છે. એવામાં સરકારે નિકાસકારોને મળતા નાણાકિય પ્રોત્સાહન અર્ધા કરી નાંખતા નિકાસકાર લોબીમાં ઉહાપોહ મચી ગયો છે. રોડટેપ નામથી ઓળખાતી યોજનાના લાભ પચ્ચાસ ટકા કરવાનો પરિપત્ર સોમવારે જાહેર થતાં નિકાસકારો નિરાશ થયા છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી કપાસ, જીરું, મસાલા, મગફળી સહિતના તેલિબિયાંની નિકાસ ઉપર અસર પડવાની છે. અગાઉ જે સોદા થયા છે તેમાં પૂરો લાભ મળશે કે કેમ તે અંગે પણ દ્વીધા સર્જાઇ છે.

રોડટેપ સ્કીમને રેમિસન ઓફ ડ્યૂટીઝ એન્ટ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે. યોજના હેઠળ નિકાસકારોને ચોક્કસ કોમોડિટીઝની નિકાસ ચોક્કસ નાણાંકીય મર્યાદામાં કરવામાં આવે ત્યારે રોકડ રાહત આપવામાં આવતી હતી. તે પચ્ચાસ ટકા કરવાની જાહેરાત થઇ છે.

ડીજીએફટીની જાહેરાત પ્રમાણે નિકાસકારોને હવે અગાઉના સૂચિત રોડટેપ દરો અને મૂલ્ય મર્યાદાના માત્ર 50 ટકા જ પરત મળશે. એનાથી તમામ આઇટેમોમાં રાહત મળતી હતી તે અર્ધી થશે. એક નિકાસકાર કહે છે, દાણાની નિકાસ પર 0.9 ટકાનું પ્રોત્સાહન સરકાર તરફથી મળતું હતુ. જે 0.45 ટકા થઇ જશે. તેનો અમલ પણ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યો છે. સીંગતેલમાં 0.60 ટકા મળતા તે અર્ધા થશે. ગુજરાતમાંથી તમામ પ્રકારના તેલિબિયાં, ખાદ્યતેલ, ખોળ, કપાસિયા, કપાસ, જીરૂ સહિતના મસાલાની નિકાસમાં મળતા પ્રોત્સાહનના દર અર્ધા થઇ જશે. એ ઉપરાંત કેટલાક એન્જાનિયરીંગ સામાન ઉપરાંત ઓટોમોબાઇલના નિકાસકારો તથા હાર્ડવેરને અસર થશે.

એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહે છે, ભૂતકાળમાં 2021 સુધી મર્ચન્ડાઇઝ એક્સપોર્ટસ ફ્રોમ ઇન્ડિયા સ્કિમ-એમઇઆઇએસ ચાલતી હતી. ડબલ્યુટીઓમાં વિરોધ થયા પછી રોડટેપ લોન્ચ કરવામાં આવી હતી.

જોકે હવે તેના લાભને વધારે સાંકડા કરી દેવામાં આવ્યા છે, જે નિકાસકારોને અસર કરશે.

નિકાસકારો કહે છે કે, નવા દરનો અમલ તાત્કાલિક અસરથી થઇ ચૂક્યો છે પણ અગાઉ નિકાસ કરી ચૂક્યા છે તેમને કઇ રીતે વળતર મળશે તે અંગે અનિશ્ચિતતા ઉપસ્થિત થઇ છે.

કેન્દ્રીય બજેટ 2026-27માં રોડટેપ માટે નાણાકીય ફાળવણી રૂ. 18,232.50 કરોડથી ઘટાડીને રૂ. 10,000 કરોડ કરી દેવામાં આવી છે, પરિણામે ડીજીએફટીએ લાભ અર્ધા કરી નાંખ્યા છે. આ યોજના નિકાસકારોને જીએસટી અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા રિફંડ ન કરાયેલા શેષ કર અને ફરજો માટે વળતર આપે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026