પંજાબ પોલીસને થાપ આપી નેપાળ-બિહાર થઈ ગુજરાત આવ્યો
અમદાવાદ, તા.26: ગુજરાત અઝજએ
પંજાબના એક ચકચારી ડ્રગ્સ અને હથિયાર તસ્કરીના કેસમાં વોન્ટેડ આરોપીને અમદાવાદના હૃદય
સમાન ગીચ વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નશીલા પદાર્થો અને
વિસ્ફોટકોના નેટવર્ક સાથે જોડાયેલો આ આરોપી, પોલીસની ધરપકડથી બચવા માટે દેશના અલગ-અલગ
રાજ્યો અને નેપાળમાં આશરો લીધા બાદ અંતે ગુજરાતમાં છુપાયો હતો.
ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ
ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસાસી પોલીસ સ્ટેશનના
હેરોઇન, ગ્રેનેડ અને પિસ્તોલ સ્મગાલિંગ કેસનો વોન્ટેડ આરોપી રહેમત અલી શેખ પંજાબથી
ભાગીને બિહાર થઈને અમદાવાદમાં આવ્યો છે. જેના આધારે તપાસ કરીને એટીએસએ રખિયાલ ખાતેથી
રહેમત અલી શેખની એમ્બ્રોઈડરીના કારખાનામાંથી ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછ કરતા જણાયું કે, રહેમત અલી આંતરરાષ્ટ્રીય સરહદેથી આવતા નારકોટિક્સ,
ગ્રેનેડ તથા પિસ્તોલ તસ્કરીના નેટવર્કનો ભાગ છે. તેણે જાન્યુઆરીમાં કન્સાઈન્મેન્ટ પાકિસ્તાનની
પંજાબ બોર્ડરથી મેળવીને પંજાબના અન્ય વ્યક્તિઓને આપ્યા હતા. આ બાબતે અમૃતસરના રાજાસાસી
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ
કરી હતી. જેમની પાસેથી 42 કિલો હેરોઇન, ચાર હેન્ડ ગ્રેનેડ, એક સ્ટાર માર્ક પિસ્તોલ
અને 46 કારતૂસ મળ્યા હતા. બે આરોપી પકડાતા રહેમત અલી પંજાબથી નાસી ગયો હતો. આરોપી પંજાબથી
ભાગીને નેપાળમાં અને ત્યારબાદ બિહાર થઈ ગુજરાતના અમદાવાદમાં એક કારખાનામાં રોકાયો હતો.
આરોપીને કોણે કોણે મદદ કરી તેની એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રહેમત અલીને
બાદમાં પંજાબ પોલીસને હવાલે કરવામાં આવશે.