• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

ઉનાળુ મગફળી તલ અને કઠોળનું ભારે આકર્ષણ શિયાળુ પાક નીકળવા લાગતા ખેતરો ખાલી, ઉનાળુ રોપણી ચાલુ

રાજકોટ,તા.27: (ફૂલછાબ ન્યૂઝ) ઘઉં, ધાણા, જીરૂ, મરચાં સહિતના શિયાળુ પાક ખેતરમાંથી માર્કેટ યાર્ડમાં હવે મોટાં જથ્થામાં આવવા લાગ્યા છે. ખેતર ખાલી થતાં હવે ખેડૂતો ઉનાળુ વાવણીમાં વ્યસ્ત બની ચૂક્યાં છે. ગુજરાતાં ફેબ્રુઆરી માસના મધ્યે ઉનાળુ પાકની ખેતીમાં 8 ટકાનો વધારો થયો છે. મગફળી, તલ અને કઠોળના વાવેતરમાં ઝડપભેર વધારો થયો છે. સૌરાષ્ટ્રના ખેડૂતો આ ત્રણેય પાક માટે ઉત્સાહી છે. જોકે ગુજરાત તરફ ઉનાળુ બાજરી અને ડાંગરના વાવેતર વધારે થશે.

કૃષિ વિભાગે ગુજરાતમાં 1.94 લાખ હેક્ટરમાં વાવણી થયાનું નોંધ્યું છે. પાછલા વર્ષના 1.79 લાખ હેક્ટર કરતા એમાં 15 હજાર હેક્ટર જેટલો વધારો છે.

ઉનાળુ પાકમાં સૌથી વધારે વિસ્તાર ડાંગરે રોક્યો છે. ડાંગરનું વાવેતર 82 હજાર સમે આ વખતે 79 હજાર હેક્ટરમાં થયું છે. એમાં હવે ધીરે ધીરે વધારો થશે. બાજરીનું વાવેતર પણ વધવા લાગ્યું છે. ગયા વર્ષના 19 હજાર હેક્ટર જેટલું જ વાવેતર થઇ શક્યું છે.

ઉનાળામાં સૌથી અગત્યના પાક મગફળી અને તલના બની રહે છે. એમાં વરસાદનું જોખમ નાહિંવત હોય છે એટલે ખેડૂતો વાવેતર વધારે કરે છે. વળી, ઉનાળુ તલ ખરીફની તુલનાએ ગુણવત્તામાં ખૂબ સારાં પાકે છે. મગફળીનું વાવેતર અત્યાર સુધીમાં 9,629 હેક્ટરમાં થયું છે. ગયા વર્ષે 4,809 હેક્ટરમાં વાવણી થઇ હતી. તલનો વિસ્તાર 13,391 હેક્ટર રહ્યો છે. 2025માં 6,837 હેક્ટર હતો.  બન્નેનું ઘણું વાવેતર હજુ બાકી છે. કારણકે મગફળીનું આશરે 55-60 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે. જ્યારે તલનો વિસ્તાર આશરે સવા લાખ હેક્ટર રહેતો હોય છે.

કઠોળ બજારમાં ઉનાળુ વાવેતરની વિશેષ રાહ જોવાતી હોય છે. આ વખતે વાવણી થોડી વધારે છે. મગ અને અડદના ભાવ પણ સારાં છે. ખેડૂતોએ થોડું વધારે વાવેતર કરતા મગમાં 4,079 હેક્ટર અને અડદનો વિસ્તાર 1,133 હેક્ટર રહ્યો છે. મગનું સરેરાશ 50 હજાર અને અડદનું 23 હજાર હેક્ટરમાં વાવેતર થાય છે.

ડુંગળીનો વાવેતર વિસ્તાર 4,486 હેક્ટર રહ્યો છે. પાછલા વર્ષ કરતા ખાસ્સું વધારે વાવેતર છે. જોકે સરેરાશ 11 હજાર હેક્ટરમાં વાવણી થાય છે.

ઉનાળુ પાકના વાવેતર હજુ આખો માર્ચ મહિનો ચાલશે. વાવેતરનું ખરું ચિત્ર એપ્રિલમાં સામે આવશે. મે મહિનાના મધ્યથી નવી આવકની ધીમી શરૂઆત થશે. ચાલુ વર્ષે પાણીની સગવડ સારી છે એટલે પાક ઉત્પાદનમાં હાલ કુદરતી પરિસ્થિતિ સિવાય કોઇ જોખમ નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક