2700થી
વધુ ટીમ રાજકોટ, જામનગર, મોરબી, સાવરકુંડલા, જૂનાગઢ, ધારીમાં ઉતરી પડી : અનેક ગ્રાહકોએ
તાબડતોબ બિલ ભરી દીધા : આગળના દિવસોમાં પણ તબક્કાવાર ડ્રાઈવ ચાલશે
રાજકોટ,
તા. 25: સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ પુરવઠો પૂરો
પાડતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી વીજ બિલ નહીં
ભરતા ગ્રાહકો પાસેથી લેણા કુલ 650 કરોડની વસૂલાત માટે આજે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ યોજાઈ
હતી. એટલે કે જે બાકીદાર ગ્રાહકે વીજ બિલની ચુકવણી ન કરી હોય તેમના વીજ કનેક્શન કાપવા
માટે ર700થી વધુ ટીમ સૌરાષ્ટ્ર-કચ્છનો વિસ્તાર ખુંદી વળી હતી. આ ઝુંબેશ અંતર્ગત તંત્રએ
કરોડોના બાકી લેણાની વસૂલાત ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી મેળવી હતી.
આ ડ્રાઈવ
યોજાવાની હોવાનું અગાઉથી જાહેર થતા અસંખ્ય ગ્રાહકોએ ઓનલાઈન-ઓફલાઈન માધ્યમોથી વીજ બિલ
ભરી દીધા હતા. વીજ તંત્ર દ્વારા રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી વિસ્તારમાં
વીજ બિલ ભર્યુ નથી તેમનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. જેઓની પાસેથી રૂ.652.99 કરોડની
વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે.
વીજ
અધિકરી મલકાને જણાવ્યું હતું કે મોડી રાત સુધીમાં 292 સબ ડિવિઝનમાં ડિસકનેક્શનની કાર્યવાહી
કરવામાં આવી હતી. આ ઝુંબેશ સફળ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. માળિયા હાટીના અને
આસપાસના ગામોમાં વીજ તંત્રે 390 કનેક્શન કાપ્યા હતા જ્યારે 15 લાખ રૂપિયા જેટલી રકમ
જુદા જુદા ગ્રાહકો દ્વારા વીજ તંત્રને બાકી લેણા પેટે ચુકવવામાં આવી હતી. વીજપડી ગામે દુકાનદારના રીડીંગમાં ભૂલ હતી જેની
જાણ તંત્રને કરવા છતાં સુધારેલું બિલ આજસુધી મળ્યું ન હતું. એ સ્થિતિમાં વીજ બિલ બાકી
હોવાનું જણાવી વીજ જોડાણ કાપી નાંખવામાં આવતા રોષ ફેલાયો છે. દુકાનદારને આ મામલે ઉચ્ચકક્ષાએ
રજૂઆત કરવાની ફરજ પડી છે.
મોરબી
: મોરબી શહેરમાં 50 ટીમ વીજ બિલ ઉઘરાવવા અથવા જોડાણ કટ કરવા ઉતરી પડી હતી અને સવારથી
સાંજ સુધીમાં મોટી રકમની વસૂલાત મેળવી હતી. બિલ નહીં ભરનારા ગ્રાહકોના જોડાણ કાપવામાં
આવ્યા હતા.
સાવરકુંડલા
પાલિકાએ 26.97 કરોડનો ચેક આપ્યો
સાવરકુંડલા
: સાવરકુંડલા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા મેગા ડીસ કનેક્શન ડ્રાઇમાં કુલ
192 કનેક્શન કાપ્યા છે. તેની રકમ રૂપિયા 19.73 લાખ થાય છે જેમાંથી 15.25 લાખ રિકવર
કરી રૂપિયા 5200 નો રી કનેક્શન ચાર્જ સાથે વસૂલ કર્યો છે તેમજ નગરપાલિકા દ્વારા બાકી
વીજ બિલ પેટેના રૂપિયા 26.97 કરોડનો ચેક આપવામાં આવ્યો છે.
બોટાદમા
19 કરોડથી વધુના બિલ બાકી
બોટાદ
: બોટાદ જિલ્લામાં કુલ 2,45,903 વીજ કનેક્શન નોંધાયેલા છે. જેમાંથી 1,37,585 ગ્રાહકોના
અંદાજે રૂપિયા 19 કરોડ 24 લાખ જેટલા વીજ બિલ બાકી હોવાનું સામે આવ્યું છે. લાંબા સમયથી
બાકી બિલ નહીં ભરનારા ગ્રાહકો સામે કડક પગલા લેવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. આજની
મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 1256 વીજ કનેક્શન ડીસકનેક્ટ કરવામાં આવ્યા હતા. આ કનેક્શનો
પર મળીને રૂપિયા 59 લાખ 21 હજાર જેટલું બિલ બાકી હતું. સાથે જ 725 કનેક્શન ધારકો પાસેથી
સ્થળ પર જ રૂપિયા 28 લાખ 33 હજારની વસૂલાત કરવામાં આવી હતી.
ધારીમાં
99 જેટલા જોડાણ કપાયા
ધારી
: ધારીમાં વીજ તંત્રની ડ્રાઈવમાં 10 ટીમનું આયોજન કરી વીજ બિલની રકમ રૂપિયા 5 લાખને 94 હજાર જેવી રકમની વસૂલાત માટે 99 જેટલા
વીજ ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જામનગરમાં
8 કરોડના બિલ વસૂલવા ડ્રાઈવ
જામનગર
: જામનગર તેમજ દ્વારકા જિલ્લાના 10632 બાકીદારના 8 કરોડના વીજ બિલ બાકી હોઈ તેની વસુલાત
માટે વીજ તંત્રે ડ્રાઈવ યોજી હતી. જેમા 378 ટુકડી ઉતારવામાં આવી હતી. જામનગર જિલ્લામાં
7419 વીજ જોડાણમા 596.72 લાખ અને દ્વારકામા 3213 વીજ જોડાણમાં 211 લાખથી વધુની રકમના
બિલની વસૂલાત બાકી છે. બન્ને જિલ્લામા 10632 વીજ જોડાણમાંથી 808 લાખથી વધુની રકમ વસૂલવા
વીજ તંત્ર આક્રમક બન્યું છે.