• સોમવાર, 02 માર્ચ, 2026

ઉનાળામાં કાળઝાળ ગરમી, રેકોર્ડ તૂટવાની શકયતા

            માર્ચથી જ દિવસે આકરો તાપ અને રાત્રે અકળાવતી ગરમી અનુભવાશે

            સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેવાની સંભાવના, મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચી શકે

રાજકોટ તા.1: રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમીએ આ વર્ષે થોડી વહેલી જ દસ્તક આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેવાની સંભાવના છે.  હવામાન વિભાગ અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં આગામી ગરમીની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે, જ્યારે માર્ચ મહિનામાં ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવનો પ્રકોપ જોવા મળી શકે છે.

ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં માર્ચથી મે મહિના દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા 75% થી વધુ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં પારો 42 ડીગ્રી થી 45 ડીગ્રી અથવા તેનાથી પણ ઉપર જઈ શકે છે. આનો અર્થ એ છે કે આ વર્ષે બપોરના સમયે કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) ના દિવસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતા ઊંચું રહેવાની ધારણા છે. ગુજરાતના મોટાભાગના ભાગોમાં રાત્રિ દરમિયાન પણ ગરમીથી બહુ રાહત મળશે નહીં, કારણ કે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા 1 ડીગ્રી થી 3 ડીગ્રી જેટલું ઊંચું રહી શકે છે. આનાથી રાત્રિઓ પણ હૂંફાળી અને અકળામણભરી રહેવાની શક્યતા છે.

માર્ચ મહિનામાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને 4 થી 6 માર્ચ દરમિયાન તાપમાનમાં 3 ડીગ્રીથી 5 ડીગ્રી નો વધારો થઈ શકે છે. રાજ્યના અનેક શહેરોમાં બપોરના સમયે ગરમીનો પારો 37 ડીગ્રી થી 39 ડીગ્રી સુધી પહોંચવાની ધારણા છે, જ્યારે કેટલાક આંતરિક વિસ્તારોમાં તે 40 ડીગ્રી ને પણ સ્પર્શી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીની તીવ્રતા વધુ જોવા મળશે. રાત્રિના તાપમાનમાં પણ આ વખતે વધારો નોંધાશે. લઘુત્તમ તાપમાન સરેરાશ 18 ડીગ્રી થી 20 ડીગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે, જે સામાન્ય કરતા 1 ડીગ્રી થી 2 ડીગ્રી વધુ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે રાત્રિના સમયે પણ સામાન્ય ઠંડકને બદલે હુંફાળો અથવા ગરમ અહેસાસ થશે. વહેલી સવારે જે ઠંડક અનુભવાતી હોય છે, તેમાં માર્ચના બીજા અઠવાડિયાથી મોટો ઘટાડો જોવા મળશે.

   ઉનાળા દરમિયાન કેવા રહેશે હીટવેવ

હવામાન વિભાગ દ્વારા વર્ષ 2026 માટે જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાન મુજબ, ગુજરાતમાં ઉનાળાની સીઝન દરમિયાન માર્ચથી મે મહિનાના સમગ્ર સમયગાળા દરમિયાન હીટવેવના દિવસોની સંખ્યામાં સામાન્ય કરતાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. આ આખા સીઝન દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના આંતરિક ભાગોમાં ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહેવાની સંભાવના છે, જ્યાં હીટવેવના દિવસો સામાન્ય કરતા 6 થી 12 દિવસ જેટલા વધી શકે છે. માર્ચ દરમિયાન હીટવેવના દિવસો સામાન્ય કરતા 2 થી 5 દિવસ જેટલા વધી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક