લખનઉથી શ્રીનગર સુધી થયાં પ્રદર્શન, સડકો ઉપર ઉતર્યો શિયા સમુદાય : યુપીમાં હાઇ એલર્ટ
નવી
દિલ્હી, તા. 1 : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનાં મોત બાદ ભારતનાં ઘણાં
રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થયાં હતાં. કાશ્મીર ઉપરાંત લખનઉમાં શિયા સમુદાયના લોકો સડકો
ઉપર ઉતરી આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી
યોગી આદિત્યનાથે રવિવારે સવારે તમામ જિલ્લાને વિશેષ સતર્કતા રાખવા નિર્દેશ આપ્યો હતો.
શ્રીનગરમાં
કાશ્મીરી શિયા મુસલમાનોએ લાલ ચોક ઉપર ખામેનેઈની હત્યા ઉપર પ્રદર્શન કર્યું હતું. કારગિલમાં
પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે લખનઉમાં શિયા સમુદાયે રસ્તા ઉપર ઉતરીને નારાજગી
વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે મૌલાના
કલ્બે જવાદે લોકોને શોકમાં સામેલ થવાની અપીલ કરી હતી.
લખનઉમાં
શિયા ધાર્મિક નેતા મૌલાના સૈફ અબ્બાસે ઘટના ઉપર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું
કે, અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તે આતંકવાદી હુમલો
છે. આ હુમલાએ પૂરા ગલ્ફ વિસ્તારમાં યુદ્ધ શરૂ કર્યું છે. દુનિયાએ સમજવું જોઈએ કે અમેરિકા
અને ઈઝરાયલ પૂરી દુનિયામાં નફરત ફેલાવી રહ્યા છે.
કાશ્મીરમાં
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે
ખાસ કરીને શિયા બહુમતીના વિસ્તારોમાં પ્રદર્શનો થયાં છે. પ્રદર્શનમાં ખામેનસઈની તસવીરો
અને ઈરાનના સમર્થનમાં બેનરો બતાવવામાં આવ્યાં હતાં તેમજ પરંપરાગત શોક ગીત ગાવામાં આવ્યા
હતા.
નવી
દિલ્હીના ઓખલા વિહાર વિસ્તારમાં અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં
આવ્યું હતું. પ્રદર્શનકારીઓ દ્વારા નારેબાજી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના કહેવા
પ્રમાણે પ્રદર્શન શાંતિપૂર્ણ હતું પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્થિતિ ઉપર પૂરતી દેખરેખ
રાખવામાં આવી હતી.