• સોમવાર, 02 માર્ચ, 2026

એરંડાનું ઉત્પાદન 10 ટકા વધીને 17.60 લાખ ટન થશે

સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસો.ની બેઠકમાં મૂકાયો અંદાજ: ગુજરાતનો પાક 13.65 લાખ ટન આવશે

રાજકોટ,તા.28: (ફૂલછાબ ન્યૂઝ)એરંડાનું મજબૂત વાવેતર અને હેક્ટર દીઠ ઉત્પાદકતામાં વૃધ્ધિ થવાને લીધે ભારતમાં ઉત્પાદન 10 ટકા વધીને 17.60 લાખ ટન થશે તેવો અંદાજ શનિવારે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસીશન (સી)ની વાર્ષિક સભામાં અમદાવાદ ખાતે મૂકવામાં આવ્યો હતો. એરંડાના સૌથી મોટાં ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં કુલ ઉત્પાદન 8 ટકા વધારે આશરે 13.65 લાખ ટન થશે તેવું પૂર્વાનુમાન વ્યક્ત થયું છે.

સીની બેઠકમાં એવી જાહેરાત થઇ હતી કે સરકારના વાવેતરના આંકડાઓનું રિમોટ સેન્સિગ પધ્ધતિથી વિષ્લેષણ કરવામાં આવ્યા પછી આ આંકડાઓ રજૂ થયા છે. બે રાઉન્ડનો ખેત સર્વે સંસ્થાએ કરાવ્યો હતો. છતાં માર્ચ અને એપ્રિલમાં ફેર અંદાજ પણ રજૂ કરવામાં આવશે. જોકે ફેર અંદાજમાં મામૂલી ફેરફાર જ થતો આવ્યો છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર 6,51,000 હેક્ટરમાં થયું હતુ. વાવેતર પાછલા વર્ષમાં 6,46,000 હેક્ટર હતુ. જોકે હેક્ટર દીઠ ઉત્પાદકતા 1942 કિલો પ્રતિ હેક્ટર સામે 2153 કિલો મળશે. આમ કુલ ઉત્પાદન વધીને 13.65 લાખ ટન થવાની ધારણા છે.

રાજસ્થાનમાં ઉત્પાદન 3,22,000 ટન થઇ શકે છે. જે ગયા વર્ષ કરતા 48 હજાર ટન વધારે છે. રાજસ્થાનમાં 1609 કિલો પ્રતિ હેક્ટર ઉતારા સામે 1714 કિલોનો ઉતારો મળશે. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં 1440 કિલો સામે 1538 કિલો ઉતારો મળવાથી 58,000 ટનનો પાક આવી શકે છે.

એરંડાના ભાવ અંગે પણ મોટાં ગજાના શીપરો દ્વારા ખાનગી વાતચીતો દરમિયાન ફોડ પાડવામાં આવ્યો હતો. એ પ્રમાણે એરંડાનો ભાવ ખેડૂતોને રૂ. 1200-1250ની રેન્જમાં મળતો રહે તેવી શક્યતા વ્યક્ત થઇ હતી. જોકે ઉપરમાં રૂ. 1325-1350 અને અસામાન્ય સંજોગોમાં રૂ. 1400 સુધીના ભાવ થવાની સંભાવના મૂકવામાં આવી હતી.

દરમિયાન ગુજરાતમાં નવા એરંડાની આવક વધીને હવે 70થી 72 હજાર ગુણી સુધી પહોંચી છે. માર્ચમાં એકાદ લાખ ગુણીનું સ્તર અવશ્ય જોવા મળી શકે છે. એરંડાનો ભાવ તાજેતરના ટોપથી રૂ. 100 ઘટીને અત્યારે રૂ. 1200-1275 આસપાસ ચાલી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક