• શનિવાર, 21 માર્ચ, 2026

ગુજરાતમાં 12માંથી 7 ખાંડ મિલોમાં શેરડીનું પીલાણ બંધ પાછલા વર્ષની તુલનાએ 78 ટકા ખાંડ ઉત્પાદન સંપન્ન

રાજકોટ, તા. 20 (ફૂલછાબ ન્યૂઝ) ગુજરાતમાં ખાંડની 78 ટકા મોસમ પૂરી થઇ ગઇ છે. ચાલુ વર્ષે 12 ખાંડ મિલોમાં ઉત્પાદન શરૂ થયું હતું. એ પૈકી 7 મિલો બંધ થઇ ચૂકી છે. ખાંડની મોસમ હજુ એકથી દોઢ મહિના સુધી ચાલુ રહેવાની છે ત્યાં સુધીમાં ઉત્પાદન પાછલા વર્ષની સપાટીએ પહોંચી જવાની ધારણા છે.

ગુજરાત સ્ટેટ ફેડરશન પાસેથી પ્રાપ્ત થયેલા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ખાંડ ઉત્પાદન 15 માર્ચ સુધીમાં 6,74,727.50 ટન થયું છે. ગયા વર્ષમાં કુલ ઉત્પાદન 8,56,020.20 ટન રહ્યું હતું. ઉત્પાદન ગઇ સીઝનની તુલનાએ 75 ટકા પૂર્ણ થઇ ચૂક્યું છે.

ગુજરાતમાં ક્ષમતા પ્રમાણે મોટી ગણાતી મઢીની મિલ 24 ફેબ્રુઆરીએ બંધ થઇ ગઇ છે. ત્યાં દૈનિક સાત હજાર ટન શેરડી પીલાણની ક્ષમતા છે. મઢીમાં અત્યાર સુધીમાં 77,990 ટન ખાંડ બનાવવામાં આવી છે. ગયા વર્ષમાં કુલ 95,247 ટન ખાંડ બની હતી. આ વર્ષે મિલ એકાદ મહિનો  વહેલી બંધ થઇ છે.  

ચલથાણની મિલ 5 હજાર ટન શેરડીની પીલાણ ક્ષમતા ધરાવે છે ત્યાં અત્યાર સુધી 53,409 ટન ખાંડ બની છે. ગયા વર્ષે આ મિલ 1 એપ્રિલ સુધી ચાલી હતી. 84,320 ટન ખાંડ ઉત્પાદન થયું હતુ.આ વર્ષે 13 ફેબ્રુઆરીએ બંધ થઇ છે.

ગુજરાતની સૌથી મોટી બારડોલી મિલ દૈનિક 10 હજાર ટન શેરડી પીલી શકે છે. અત્યાર સુધીમાં 11,44,400  ટન શેરડીના પીલાણ વડે 1,26,440 ટન ખાંડ બનાવવામાં આવી છે.

મહુવા મિલ 20 ફેબ્રુઆરીથી બંધ થઇ છે જ્યારે ઉકાઇ 19 જાન્યુઆરીએ બંધ થઇ હતી. ગણેશ મિલ 5 ફેબ્રુઆરીએ અને કોપર મિલમાં 31 જાન્યુઆરીથી કામકાજ બંધ થયું છે. જોકે બારડોલી સહિત પાંચ મિલો ચાલુ છે. છેલ્લે 11 માર્ચે પાન્ડવઇ મિલ બંધ થઇ છે.

ગણદેવીમાં અત્યાર સુધીમાં 74,468 ટન ખાંડ ચાલુ વર્ષે બની છે. કામરેજમાં 48,870 ટન, પાન્ડવઇમાં 45,455  ટન અને નર્મદામાં 69,940 ટન ખાંડ બની છે.

બારડોલી મિલને 11.03 ટકાની રિકવરી મળી છે. જોકે રિકવરીમાં સૌથી આગણ ગણદેવી 11.44 ટકા સાથે છે. ગુજરાતમાં સરેરાશ કુલ રિકવરી રેટ 10.58 ટકા રહ્યો છે.

ગુજરાતની ખાંડ મિલોમાં અત્યાર સુધીમાં કુલ 67,47,274 ટન શેરડીનું પીલાણ કરવામાં આવ્યું છે. પાછલા વર્ષે આખી સીઝનમાં 82,40,020 ટનનું પીલાણ કરાયું હતું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક