• શનિવાર, 21 માર્ચ, 2026

ભાવનગર જિલ્લાના મહુવામાં મોડી રાત્રે 3.0ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી

ભૂકંપનું કેન્દ્રાબિંદુ મહુવાથી 30 કિ.મી. દૂર નોંધાયું  : અઠવાડિયામાં બીજી વખત ભૂકંપથી લોકોમાં ફફડાટ

ભાવનગર, તા.20 : જિલ્લાના મહુવા અને આસપાસના પંથકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત તા.12 માર્ચે પરોઢિયે ભૂકંપના આંચકા આવ્યા બાદ, ગઈકાલે મોડી રાત્રે ફરીથી મહુવાની ધરા ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની વચ્ચે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

મહુવામાં એક અઠવાડિયામાં આ બીજી વખત ભૂકંપના આંચકા નોંધાયા છે. અગાઉ આઠ દિવસ પૂર્વે પણ મહુવામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું સરકારી તંત્રના ચોપડે નોંધાયું છે. આમ, ટૂંકા ગાળામાં બે આંચકા આવતા ભૂસ્તરશાસ્ત્રીઓમાં પણ કુતૂહલ જાગ્યું છે. ગઈકાલે મોડી રાત્રે 12:32 કલાકે આવેલા આ આંચકાની તીવ્રતા 3.0ની નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રાબિંદુ મહુવાથી ઉત્તર-પશ્ચિમ દિશાએ 30 કિ.મી.ના અંતરે અક્ષાંશ 21.276 અને રેખાંશ 71.668 પર નોંધાયું હતું. અગાઉ 12 માર્ચના રોજ વહેલી સવારે 3:09 વાગ્યે 3.01ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રાબિંદુ પણ આ જ વિસ્તારની આસપાસ હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક