• શનિવાર, 21 માર્ચ, 2026

ખોરાસા ગિરની કાલિન્દ્રી નદીમાં મહિલાને મગરે ફાડી ખાધી વન વિભાગે મગર પકડવા પાંજરા મુક્યા : વિસ્તારમાં ભયનો માહોલ

ગડુ, તા.20: ખોરાસા ગિર વિસ્તારમાં આવેલી કાલિન્દ્રી નદીમાં આજે બપોરે એક પ્રોઢ મહિલાને મગરએ હુમલો કરી ફાડી ખાધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે.

ખોરસા ગામના વતની બીનાબેન ઉકાભાઈ સેવારા (ઉં.વ. 59)નું ખેતર નદીની બાજુમાં આવેલું હોવાથી તેઓ બપોરના સમયે વાસણ સાફ કરવા માટે નદી કિનારે ગયા હતા. તે દરમિયાન પાણીમાં રહેલા મગરએ હુમલો કરી મહિલાને ખેંચી લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગામલોકો, સરપંચ શૈલેષભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. બીજી તરફ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મહિલાનો મૃતદેહ જેસીબીની મદદથી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મગરને પકડવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા નદી કિનારે ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા સ્થાનિક લોકોને નદી અને જળાશય નજીક સાવચેતી રાખવા તેમજ એકલા ન જવાની અપીલ કરવામાં આવી છે.

આ ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા વધારી છે અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા માગ ઉઠી છે.

ઇ-પેપરના નવા શુલ્ક