• મંગળવાર, 28 એપ્રિલ, 2026

સુરત : બેંકમાં બંદૂકના નાળચે 50 લાખની લૂંટ

કેશ વાનમાંથી લાવવામાં આવેલી રકમ અને કેશ કાઉન્ટર પર પડેલી રકમને નિશાન બનાવી, શહેરમાં નાકાબંધી

(ફૂલછાબ ન્યુઝ)

સુરત,તા.27: સુરત શહેરના અતિ વ્યસ્ત એવા વરાછા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની મોટી ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. ચાર જેટલા અજાણ્યા સશસ્ત્ર લુટારુઓ બેન્કમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા અને કર્મચારીઓને બંધક બનાવી બંદૂકની અણીએ આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. લૂંટની આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફિલ્મી ઢબે ફરાર થઈ ગયા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

બેન્કના સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી વિગતો મુજબ, આરોપીઓએ કેશવાનમાંથી લાવવામાં આવેલી રકમ અને કેશ કાઉન્ટર પર પડેલી રકમને નિશાન બનાવી હતી. લુટારુઓ વિમલના થેલા અને લગેજ બેગમાં રૂપિયા ભરીને સ્પોર્ટ્સ બાઈક પર સવાર થઈ નાસી છૂટયા હતા. ઘટનાની ગંભીરતા જોતા વરાછા, પુણા અને કાપોદ્રા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

એસબીઆઈ બેન્કમાં થયેલી આ લૂંટના આરોપીઓને ઝડપી પાડવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોતરાયો છે. શહેરના એસપી, ડીસીપી અને પીઆઈ સ્તરના અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. હાલ સુરત શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરી દેવામાં આવી છે, જોકે હજુ સુધી લુટારુઓ પોલીસ પકડથી દૂર છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક