20 દિવસમાં ડબો રૂ.255 સોંઘો : હવે રૂ.2800ની અંદર
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,
તા.26: સીંગતેલમાં ભારે તેજી બાદ ફટાફટ મંદી થઈ ગઈ છે. સરકારી મગફળીનો પૂરવઠો છૂટો
થયો છે અને યુધ્ધની અસર હળવી થતા આયાતી તેલ પણ સસ્તા થયા છે. જેની અસરથી સીંગતેલમાં
20 દિવસમાં ડબો રૂ.255 સસ્તો બનતા વપરાશકર્તાને રાહત મળી છે. ચાલુ મહિને સીંગતેલ રૂ.3
હજારની સપાટી વટાવી ગયા બાદ ભાવ ફટાફટ તૂટવા લાગતા ડબો ફરી રૂ.2800ની નીચે સરકી ગયો
છે. આગામી દિવસોમાં ભાવ વધુ નીચા આવે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ગત
ખરીફ સીઝનમાં મગફળીનું મબલક ઉત્પાદન થયું હતું. જોકે ટેકાના ભાવે મગફળીની બમ્પર ખરીદી
થતા આશરે 18 લાખથી વધુ મગફળી સરકારમાં ગઈ હતી. બીજી તરફ ખૂલ્લા બજારમાં ખેડૂતોએ મગફળી
વેચી નાંખ્યા બાદ સીંગતેલમાં તેજીનો ખેલ શરૂ થયો હતો. સીંગતેલની બારમાસી ઘરાકી પૂર્ણ
થયા બાદ ભાવ વધવાના શરૂ થયા હતા. તેમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુધ્ધની અસરથી
ક્રૂડતેલના ભાવ ભડકે બળતા પામતેલ, સૂર્યમુખી અને સરસવ જેવા આયાતી તેલના ભાવમાં તેજી
આવી હતી. યુધ્ધ શરૂ થયુ ત્યારથી એટલે કે 28 ફેબ્રુઆરીથી એક મહિનામાં સીંગતેલ રૂ.145
ઉંચકાઈ ગયું હતું. જ્યારે ચાલુ વર્ષે ડબો રૂ.410 મોંઘો બનતા ગત તા. 4 એપ્રિલે ભાવ રૂ.
2975-3025ની બે વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.
બાદમાં
યુધ્ધ વિરામ થતા આયાતી તેલ હળવા બનતા અને નાફેડે નીચા ભાવે મગફળી વેચવાનું શરૂ કરતા
સીંગતેલમાં તેજી અટકી ગઈ હતી અને ભાવ નીચા આવવાના શરૂ થયા હતા. છેલ્લા 20 દિવસમાં સીંગતેલનો
ડબો રૂ.255 સસ્તો બનતા ભાવ રૂ.2800ની અંદર આવી રૂ. 2720-2770 હતો. સીંગતેલ સસ્તુ બનતા
બારમાસી તેલ ભરવામાં રહી ગયેલા લોકોની ઘરાકી ફરી નીકળી છે.
મલેશિયન
પામતેલ વાયદો ઘટવા લાગતા અન્ય તેલ પણ સસ્તા બન્યા છે. છેલ્લા 20 દિવસમાં કપાસિયા તેલ
રૂ. 50, પામતેલ રૂ. 70, સૂર્યમુખી રૂ. 60, મકાઈ તેલ રૂ. 50અને સરસવ તેલ રૂ.20 ઘટયું
છે. જ્યારે કોપરેલમાં રૂ. 100 અને દિવેલમાં રૂ.50નો ઘટાડો
થયો
છે.