આપત્તિ
સમયે ગ્રામજનો માટે સુરક્ષિત ’શેલ્ટર હોમ’ તરીકે ઉપયોગમાં લઈ શકાશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.20: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી
રાજ્ય મંત્રીમંડળ-કેબિનેટની બેઠકમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી “અટલવાડી
યોજના’’ને મંજૂરી અપાઈ છે. આ યોજના હેઠળ ગામડાઓમાં સામાજિક અને જાહેર પ્રસંગો એક છત
હેઠળ થઈ શકે તે પ્રકારની 500 લોકોની ક્ષમતા ધરાવતી “અટલવાડી’’ બનાવવામાં આવશે.
અટલવાડીમાં આર્ક-શેડ સહિતનો મોટો ઓપન હોલ, રસોડું,
મહિલા અને પુરુષો માટે અલગ શૌચાલય અને પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક વ્યવસ્થા ઉપલબ્ધ
કરાવવામાં આવશે. રાજ્યમાં 2,000થી વધુ વસ્તી ધરાવતા ગામોને આ યોજનાનો લાભ મળશે. વાડીના
નિર્માણ માટે ગ્રામ પંચાયતની ખુલ્લી જગ્યા, પંચાયત નિર્ધારીત પ્લોટ, ગામના મુખ્ય મંદિર
કે પ્રવાસન સ્થળની નજીકની જાહેર જગ્યાને પસંદ કરવામાં આવશે. અટલવાડીનો લાભ ગામના તમામ
નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના સમાન રીતે મળશે,
જેથી પરસ્પર સહયોગ અને સામાજિક સમરસતા પણ વધશે.
પ્રવક્તા
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ગામડાના સામાન્ય અને મધ્યમ વર્ગના
પરિવારોને લગ્નપ્રસંગ, સામાજિક કે ધાર્મિક મેળાવડા માટે વ્યાજબી ભાડામાં આધુનિક સુવિધા
મળી રહેશે. અટલવાડી યોજના હેઠળ પોતાના ગામમાં જ સુવિધા મળવાથી નાગરિકોના ખર્ચમાં પણ
મોટી બચત થશે.
આ ઉપરાંત કુદરતી આપત્તિ, વાવાઝોડું, અતિવૃષ્ટિ સમયે
શેડનો ઉપયોગ શેલ્ટર હોમ તરીકે પણ કરી શકાશે. આપત્તિ સમયે આ ભૌતિક માળખું ગ્રામજનો માટે
સુરક્ષિત ’શેલ્ટર હોમ’ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. આ નવી “અટલવાડી યોજના’’ માટે રાજ્ય
સરકાર દ્વારા ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.