હત્યા
પાછળ ટ્રાન્સપોર્ટના ધંધાના મનદુ:ખ કારણભૂત
વેરાવળ,તા.20:વેરાવળમાં
આજે બપોરે સરાજાહેર ફાયારિંગ કરી તુરક સમાજના પ્રમુખની હત્યા કરી દેવાતા સનસનાટી મચી
ગઈ છે. આ ઘટનાને પગલે પ્રસરેલ તંગદિલીના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે
પોલીસે સતર્કતાના ભાગરૂપે સોમનાથ ટોકીઝ સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી
ફાયરીંગ કરનાર આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ હત્યાના મામલે કુખ્યાત
ફારૂક મૌલાના, તેના પુત્ર, ડ્રાઇવર સહિત ચાર શખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી
ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પાછળ ટ્રાન્સપોર્ટના ધંધાના મનદુ:ખ કારણ હોવાનું
પોલીસ ફરીયાદમાં દર્શાવ્યુ છે. આ સરાજાહેર હત્યાના પગલે શહેર અને પંથકમાં ચકચાર પ્રસરી
ગઈ છે.
પોલીસમાંથી
પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરે એકાદ વાગ્યે વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આઈડી
ચૌહાણ સ્કૂલની આગળ રસ્તા પર મોપેડ સ્કૂટરમાં તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાણી જઈ રહ્યા
હતા તે સમયે બે સ્કૂટરમાં આવેલા ફારૂક મૌલાના, તેનો પુત્ર જાવીદ, ડ્રાઈવર અનિષ કુરેશી
અને તાલીયો બાલી એ જાવીદ તાજવાણી સાથે બોલાચાલી કરી રહ્યા હતા. ત્યારે ફારૂક મૌલાનાએ
જાવિદને કહેલ કે, ટ્રાન્સપોર્ટના ધંધામાં શું માથાકૂટ કરે છે? જાવીદ મૌલાના અને ડ્રાઇવર
અનીશ તથા તાલીયો બાલી કહેવા લાગેલ કે, હમણા આને બોવ ચરબી ચઢી છે આને પતાવી દેવો પડશે
તેમ કહી અપશબ્દો ભાંડી રહ્યા હતા. આ દરમ્યાન ફારૂક મૌલાનાએ તેની મોપેડની આગળના ભાગે
આવેલ ખાનામાંથી પિસ્તોલ કાઢીને જાવીદ તાજવાણીના માથામાં ગોળી મારી દેતા તે ઢળી પડયો
હતો.
બાદમાં
ફારૂક મૌલાના સહિતના ચારેય શખ્સો નાસી ગયા હતા. તો ગંભીર રીતે ઘવાયેલા જાવીદ તાજવાણીને
પ્રથમ સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થિતિ ગંભીર
હોવાથી ખાનગી હોસ્પીટલએ લઈ ગયેલ બાદમાં બપોરે વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ
હતો. જ્યાં ટુંકી સારવાર બાદ મોડીસાંજે જાવીદ તાજવાણીનું મૃત્યુ નિપજ્યું હતુ.
આ ફાયરીંગની
ઘટનાની જાણ થતાં તુરંત જીલ્લા પોલીસવડા જયદીપાસિંહ જાડેજાએ ઘટના સ્થળ અને હોસ્પીટલની
મુલાકાત લઈ આગળની તપાસ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે ફાયરીંગ કરી નાસી
ગયેલા આરોપીઓને પકડવા એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચોની પાંચ જેટલી ટીમો બનાવી તપાસ
અર્થે દોડાવવામાં આવી હતી.