ગ્રોફેડ ખાતે નવા મીટર ગેજ સ્ટેશનને મંજૂરી : સમપાર ફાટકો પરના દૈનિક ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ
જૂનાગઢ, રાજકોટ, તા. 26: જૂનાગઢ
શહેરના નાગરિકોને લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળવાની છે.
રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળના વિસાવદર જૂનાગઢ મીટર ગેજ સેક્શનમાં
ગ્રોફેડ વિસ્તારમાં નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વપૂર્ણ
બાબત એ છે કે ગ્રોફેડ સ્ટેશન શરૂ થયા બાદ ગ્રોફેડ અને હાલના જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો
આશરે 4.2 કિ.મી. લાંબો મીટર ગેજ રેલખંડ કાયમી રીતે બંધ કરી દેવામાં આવશે. હાલમાં આ
રેલખંડ શહેરના ઘનવસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થાય છે અને તેના કારણે 7 સમપાર ફાટકો
લાંબા સમય સુધી બંધ રહેતા હોવાથી સમગ્ર શહેરમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાય છે.
નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ શહેરની અંદરના તમામ
7 સમપાર ફાટકો દૂર થઈ જશે, જેના કારણે જૂનાગઢ શહેરને લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક
સમસ્યામાંથી કાયમી રાહત મળશે.
હાલના જૂનાગઢ સ્ટેશન પર મીટર ગેજ કામગીરી બંધ થયા
બાદ ઉપલબ્ધ થતી જમીનનો ઉપયોગ બ્રોડ ગેજ યાર્ડ અને અન્ય કામગીરી સંબંધિત સુવિધાઓના વિસ્તરણ
માટે કરવામાં આવશે.
રેલવેની આ પહેલ કામગીરીની જરૂરિયાત
અને નાગરિક સુવિધા બન્ને વચ્ચે સંતુલન સ્થાપિત
કરતું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આથી માત્ર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં
સુધારો નહીં થાય, પરંતુ જૂનાગઢના શહેરી વિકાસને પણ નવી દિશા મળશે. ઉલ્લેખનીય છે કે
આ મામલે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડીયાએ વારંવાર રજુઆતો કરી
હતી. જે સફળ રહી છે.