8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું : 30 મે બાદ રાજયમાં વરસાદની શકયતા : ત્રણ દિવસ ગરમી પરેસેવે રેબઝેબ કરી દેશે
રાજકોટ, તા.26: રાજ્યમાં ગરમીનો
પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે વિવિધ 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર
પહોંચી ગયો હતો. 44.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર અગનભઠ્ઠી બન્યું હતું. હવામાન વિભાગ
દ્વારા આગામી ત્રણ દિવસ અસહ્ય બફારાની આગાહી કરી હોય ગરમી પરસેવે રેબઝેબ કરી નાખશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ
વચ્ચે હજુ લોકોને ગરમીમાંથી મુક્તિ મળવાના અણસાર નથી. આજથી ત્રણ દિવસ સુધી દ્વારકા,
જામનગર, પોરબંદર, સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ઉષ્ણલહેરની ચેતવણી આપવામાં આવી
છે. બીજીબાજુ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં તા.
30મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, તા. 31 મેના રોજ સાબરકાંઠાં, અરવલ્લી,
મહીસાગર, પંચમહાલ અને દાહોદ, તેમજ 1 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,
પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.
દાસના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાત અન મધ્ય ગુજરાતમાં
વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 30થી 40 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં ટ્રફ
પસાર થતો હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી છતાં તાપમાન 40થી 41
ડિગ્રી સુધી રહેવાની શક્યતાઓ છે.
આ આગાહી વચ્ચે ખેડૂતો માટે પણ
આ વરસાદ લાભદાયક સાબિત થઈ શકે છે, જ્યારે શહેરોમાં ગરમીથી પરેશાન લોકોને થોડો રાહતભર્યો
માહોલ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે. જોકે, હવામાનમાં અચાનક ફેરફાર અને વીજળીના જોખમને
ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે.
શહેર તાપમાન
સુરેન્દ્રનગર 44.3
અમદાવાદ 43.2
ગાંધીનગર 42.8
રાજકોટ 42.7
ભાવનગર 42.2
અમરેલી 41.7
ડીસા 41.2
વડોદરા 40.4
દાહોદ 38.3
ભુજ 37.8