• બુધવાર, 17 જૂન, 2026

રાજુલાનાં કોવાયા ગામે સિંહણે યુવકને ફાડી ખાધો

પરપ્રાંતીય યુવકનો ભોગ લેવાયો, વન વિભાગ અને પોલીસ દોડતી થઈ

4 સિંહનું સ્કાનિંગ, એકને વનવિભાગે ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂરી દીધો

અમરેલી, તા. 16 : બગસરા તાલુકાનાં ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષનાં બાળકનાં મૃત્યુની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી. ત્યાં અમરેલી જિલ્લામાં માનવ અને સિંહ વચ્ચે સંઘર્ષની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહણે વધુ એક માનવનો શિકાર કરતાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.

મળતી માહિતી મુજબ કોવાયા ગામ નજીક આવેલા અલ્ટ્રાટેક ટીપીપી પાવર પ્લાન્ટ સામે ઉત્તરાખંડના રહેવાસી અને ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતા પ્રકાશચંદ્ર નામના યુવક પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવકનું મૃત્યુ નીપજ્યું હતું અને ઘટના સ્થળેથી તેના માત્ર ખોપડી સહિતના અવશેષો જ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. મૃતકના અવશેષો કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં સિંહણ દ્વારા યુવકનો શિકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે હુમલાખોર સિંહણની ઓળખ અને શોધખોળ માટે વિશેષ ટીમોને કામે લગાડી છે. આસપાસમાં સિંહોનું સ્કાનિંગ કરીને 4 સિંહ પરિવાર રહેતા હોવાની વિગતો મળતા જેમાંથી એક સિંહને વનવિભાગે ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂરી દીધો હતો જ્યારે અન્ય સિંહોને પકડવાની કવાયત શરૂ કરી હતી ત્યારે સિંહોની હુમલાની ઘટનાથી સ્થાનિકોમાં રોષ હતો તો સ્થાનીક રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સિંહના માનવીઓ પર થતા હુમલાની ચિંતાઓ વ્યક્ત કરીને સરકારમાં રજૂઆત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક