ગુજરાતમાં ચોમાસું 26 જૂન સુધી પહોંચવાની શક્યતા : જૂનાગઢમાં ઝાપટું વરસ્યું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
રાજકોટ,
અમદાવાદ, તા. 15: ગુજરાતમાં મોટાભાગે 15 જૂને ચોમાસાની એન્ટ્રી થઇ જતી હોય છે પરંતુ
છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ 15 જૂને ચોમાસાની
એન્ટ્રી થઇ નથી અને હજુ ચોમાસાની રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે આ
બધા વચ્ચે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળો બંધાય છે પણ વરસાત નથી. આજે વહલી સવારે
જૂનાગઢના વાતાવરણમાં પલટો આવતા હળવું ઝાપટું વરસ્યું હતું.
રાજ્યમાં
હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાઓને બાદ કરતા કોઇ જિલ્લાઓમાં હળવા
વરસાદની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની વચ્ચે વાતાવરણ
સૂકુ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 26 જૂન સુધીમાં ચોમાસુ
પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇમાં આગામી 18થી 19 જૂન આસપાસ પવનો મજબૂત
થતા ચોમાસાની સત્તાવાર થવાની સંભાવના સેવાઇ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.
કે. દાસના જણાવ્યા અનુસાર, સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી
છે. આગામી ત્રણ દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં વરસાદની
આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનના વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
જોકે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર 15થી
21 જૂનમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ
વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે.
સાંજે
નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં
40.9 જ્યારે અમદાવાદમાં 40.4, રાજકોટમાં
39.1, અમરેલીમાં 37.9, ડીસામાં 38.8, કંડલામાં 37.2, તેમજ સુરતમાં 35.3 ડિગ્રી
તાપમાન નોંધાયું હતું.