ઘટના
સ્થળેથી પુરાવાઓ મળ્યા: સિંહબાળના પગ અને કપાળના ભાગે મળ્યા ઈજાના નિશાન
જૂનાગઢ,
તા.24: જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જ હેઠળના રબારીનેસ વિસ્તારમાંથી ઇજાના નિશાન સાથે નર
સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગે મૃતદેહનો કબજો સાંભળી હત્યાની આશંકાને લીધે પેનલ
પોસ્ટમોર્ટમ માટે સકરબાગ ઝુમાં મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ હત્યાની શંકા દૃઢ બનતા
તેમજ મળેલા પુરાવાઓના આધારે શકમંદનું નામ જાહેર કરી શોધખોળ આદરી છે. પોલીસ અને એફએસએલની
મદદ વડે તપાસ હાથ ધરવામાં આવી હતી.
રબારી
નેસ વિસ્તારમાં આજે સવારે 7થી 8 માસના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની
જાણ થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહ ઉપર ઇજાના નિશાનો જણાતા
હત્યાની આશંકા હોવાથી પેનલ પોસ્ટમોર્ટમ માટે સકરબાગ ઝુમા મોકલી દેવાયો હતો. પ્રાથમિક
તપાસમાં સિંહબાળના શરીર પર ગંભીર ઇજાઓ જોવા મળતાં તેની હત્યા કરવામાં આવી હોવાની શક્યતાઓ
દૃઢ બનતા વન વિભાગે મળેલા પુરાવાઓના આધારે શકમંદ બાવન પુના ચાવડા (રહે.રબારી નેસ, જૂનાગઢ)નું
નામ જાહેર કરી સઘન તપાસ હાથ ધરી છે. આ શકમંદ હાલ ફરાર હોવાનું અને તેનો મોબાઇલ સ્વિચ
ઓફ હોવાનું જાણવા મળ્યું છે. શકમંદની શોધખોળ માટે વન વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા
સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ સિંહબાળના પાછળના
પગ અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળ તેમજ અન્ય
સંબંધિત સ્થળોએથી મહત્ત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકની પેનલ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું
છે. પ્રાથમિક પુરાવાઓના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે.