• ગુરુવાર, 25 જૂન, 2026

નારણપુરામાં ‘રેડ્ડી અન્ના’ એપનું કરોડોનું સટ્ટા કૌભાંડ ઝડપાયું, પાંચની ધરપકડ

રાજસ્થાનના તમામ આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, 40 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત 

(અમારા પ્રતિનિધિ તરફથી)  અમદાવાદ, તા.24: અમદાવાદમાં ઓનલાઈન ગામિંગ અને સટ્ટાબાજી થકી લોકો પાસેથી નાણાં ઓળવતી ગેંગનો પર્દાફાશ કરાયો છે. સાયબર ક્રાઈમ દ્વારા રેડ્ડી અન્ના એપથી ચાલતા આ કૌભાંડનો ભાંડાફોડ કરાયો છે. અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં સટ્ટા માટે જાણીતી રેડ્ડી અન્ના વેબસાઈટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઈન સટ્ટા-બાટિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતો. આ હાઈટેક સટ્ટા નેટવર્ક દ્વારા ગ્રાહકોના નકલી આઈડી ખોલાવી, મોટું વળતર આપવાની લાલચ આપીને રોકાણ કરાવી મોટા પાયે ઠગાઈ આચરવામાં આવતી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ ખૂબ જ ચાલાકીપૂર્વક નાણાકીય વ્યવહારો કરતી હતી. ગ્રાહકો પાસેથી મેળવેલા રોકાણ અને સટ્ટાના નાણાં સીધા પોતાના ખાતામાં લેવાને બદલે મ્યુઅલ  એકાઉન્ટ અર્થાત ભાડે રાખેલા કે અન્ય વ્યક્તિઓના નામે ખોલાવાયેલા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. કૌભાંડની તપાસ દરમિયાન કોસમોસ બેંકના એકાઉન્ટ્સ ચેક કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં ટૂંકા ગાળામાં જ કરોડો રૂપિયાની હેરફેર થઈ હોવાની વિગતો સામે આવી છે. નારણપુરા પોલીસે આ કૌભાંડના આરોપીઓ એવા સચીન ઓમપ્રકરાશ બોકોલીયા, વિશાલ રેખારામ બાલોટિયા, સોનુ સોબારામ બડાલિયા, મુન્નારામ જગનારામ નવલ, છોટુરામ બાબુલાલ નવલની ધરપકડ કરી હતી. 

આ રેડ દરમિયાન સ્થળ પરથી હાઈટેક ગેજેટ્સ જેવા કે મોબાઈલ ફોન, લેપટોપ, વાઈ-ફાઈ રાઉટર, વિવિધ બેંકોની ચેકબુક અને 40 જેટલા ડેબિટ કાર્ડ્સ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં છેતરાપિંડીનું નેટવર્ક ધરાવતા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ આરોપીઓ સામે ગુજરાત ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરાપિંડીના ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આ મામલે નારણપુરા પોલીસે તમામ આરોપીઓ સામે બીએનએસ હેઠળ ફરિયાદ નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક