ચોમાસાની
ઇનિંગ શરૂ : નીચાણના વિસ્તારમાં જળભરાવ : અમુક સ્થળે વાહનોની અવરજવર ઠપ : વરસાદનું
રેડ એલર્ટ
મુંબઈ,
તા. 24 : મહાનગર મુંબઈમાં મંગળવારે મંગળ મંડાણ કર્યા બાદ ચોમાસાંએ ભલે 13 દિવસ મોડી
પણ મૂશળધાર શરૂઆત કરી છે. છેલ્લા 24 કલાકમાં 350 મિલીમીટર એટલે કે, 14 ઈંચ જેટલા અનરાધાર
વરસાદથી માર્ગો પર જળબંબાકાર થઈ ગયો હતો. મોસમ વિજ્ઞાન વિભાગે મુંબઈ સહિત મહારાષ્ટ્રના
અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા દાદર,
અંધેરી, બાંદ્રા અને સાથે પાલઘર માટે રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મુંબઈમાં
હવામાન વિભાગે આંધી-તોફાનની ચેતવણી પણ આપી હતી. મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકી વિસતારો,
તેલંગાણા અને ઓરિસ્સાની સાથે છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના અમુક હિસ્સામાં વરસાદનું
એલર્ટ આપવામાં આવ્યું હતું.
અલબત્ત,
મુંબઈના જનજીવને વરસાદથી ગરમી, ઉકળાટમાં આશ્વાસનરૂપ રાહત અનુભવી હતી, પરંતુ અનેક રસ્તાઓ,
વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પરેશાની પણ વેઠવી પડી હતી. ઘણાં વૃક્ષો ઊખડી ગયાં હતાં.
રાતભર
વરસેલો વરસાદ બુધવારે પણ ચાલુ રહ્યો હતો. સૌથી વધુ અસર અંધેરીમાં જોવા મળી છે. અંધેરી
સબ-વે (અંડરપાસ) આખેઆખો પાણીથી ભરાઈ જતાં સુરક્ષાના હિતમાં તરત બંધ કરી દેવાયો હતો. રસ્તાઓ ડૂબી જવા સાથે ભારે વરસાદથી હિન્દમાતા, કિંગ્સ
સર્કલ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં અનેક માર્ગો પર લાંબા સમય સુધી ટ્રાફિકજામમાં
લોકો ફસાયા હતા.
મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, સિંધુદુર્ગ જિલ્લાઓ માટે
ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ ભાગોમાં મધ્યથી તેજ અને ક્યાંક ભારે વરસાદ થવાની સંભાવના
છે.
બીજી તરફ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ નવ દિવસના
વિલંબ બાદ અંતે ચોમાસું પહોંચી ગયું છે. આમ, વરસાદી મોસમ હવે દેશના 22 રાજ્યોમાં પહોંચી
ચૂકી છે.
દેશના
મોસમ વિજ્ઞાન વિભાગે ચોમાસું મધ્યપ્રદેશમાં પહોંચી ગયું હોવાની સત્તાવાર ઘોષણા કરી
હતી. પ્રદેશના બાલાઘાટ, ડિંડોરી, અનુપપુર, સિવની, છિંદવાડા, બૈતુલ, ખંડવા, હરદા, બુરહાનપુર,
બડવાનીમાં વરસાદ થયો હતો.
અરૂણાચલ પ્રદેશમાં તો છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે કીયી પન્યોર
જિલ્લામાં નિપકો પ્રોજેક્ટની કોલોનીમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ત્રણ લોકો લાપતા થયા
હતા.
ચોમાસું
તેલંગાણા, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધી ગયું છે.
આવનારા બેથી ત્રણ દિવસમાં ઉત્તરપ્રદેશમાં પણ પહોંચી જશે.