• ગુરુવાર, 25 જૂન, 2026

રોનાલ્ડો રંગમાં: ઉઝબેકિસ્તાન સામે 2 ગોલ કરી ટીકાકારોને ચૂપ કર્યા

પોર્ટૂગલનો 5-0 ગોલથી વિજય

સળંગ 6 ફીફા વર્લ્ડ કપમાં ગોલ કરનારો રોનાલ્ડો પહેલો ખેલાડી

હ્યૂસ્ટન, તા.24: ફૂટબોલ જગતના સર્વકાલિન મહાન ખેલાડી પૈકિના એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર આલાચકોને ચૂપ કરીને શાનદાર દેખાવ કર્યો છે. ફીફા વર્લ્ડ કપના પહેલા મેચની અસફળતાને પાછળ છોડતા 41 વર્ષીય રોનાલ્ડોએ પોર્ટૂગલ માટે ઉઝબેકિસ્તાન સામેના વિશ્વ કપ મેચમાં શાનદાર દેખાવ કરીને બે ગોલ કર્યા હતા. આથી પોર્ટૂગલનો ઉઝબેકિસ્તાન સામે પ-0 ગોલથી જોરદાર વિજય થયો હતો અને રાઉન્ડ-32 તરફ આગેકૂચ કરી હતી. ગ્રુપ કેમાં પોર્ટૂગલના 2 મેચ પછી 4 પોઇન્ટ થયા છે. તેની ટક્કર હવે શનિવારે કોલંબિયા સામે થશે. તે 6 પોઇન્ટ સાથે ક્વોલીફાય થઇ ચૂકી છે.

આ મેચમાં રોનાલ્ડોએ ઈતિહાસ રચ્યો હતો. તે 2006થી 2026 સુધી સળંગ 6 ફીફા વિશ્વ કપમાં ગોલ કરનારો પહેલો ખેલાડી બન્યો છે. 41 વર્ષ 138 દિવસની ઉંમરે ગોલ કરી રોનાલ્ડો વિશ્વ કપમાં બીજો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો છે. કેમરૂનના રોઝર મિલાએ 1994ના વિશ્વ કપમાં 42 વર્ષની વયે ગોલ કર્યો હતો. પોર્ટૂગલનો પહેલો મેચ કોંગો સામે 1-1થી ડ્રો રહ્યો હતો. આ પછી રોનાલ્ડો આલોચકોના નિશાન પર હતો. હવે રોનાલ્ડોએ સફળ વાપસી કરી ટીકાકારોને ચૂપ કર્યા છે.

ઉઝબેકિસ્તાન સામે રોનાલ્ડોએ છઠ્ઠી મિનિટે અને 39મી મિનિટે ગોલ કર્યા હતા જ્યારે 17મી મિનિટે નૂનો મેંડેસે શાનદાર ફ્રી કિકથી ગોલ કર્યો હતો. 60મી મિનિટે ઉઝબેકિસ્તાનના ગોલકીપર નેમાતોવે આત્મઘાતી ગોલ કર્યોં હતો. 87મી મિનિટે રાફેલ લેઓએ ગોલ કરી પોર્ટૂગલને પ-0થી જીત અપાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક