સંરક્ષણ પ્રધાનની હાજરીમાં વડોદરામાં પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટનું સમાપન : સંરક્ષણ ક્ષેત્રે રૂ. 2550 કરોડના એમઓયુ
(ફૂલછાબ ન્યૂઝ)
વડોદરા,તા.30: મજબૂત અર્થતંત્ર
સુરક્ષિત રાષ્ટ્રનો પાયો નાખે છે. સંરક્ષણ ક્ષેત્રનો વિકાસ ફક્ત શસ્ત્રોના ઉત્પાદન
સુધી મર્યાદિત નથી પરંતુ તે વ્યાપક આર્થિક ઇકોસિસ્ટમને પણ વેગ આપે છે. ભારતમાં હવે
ધીરે ધીરે બની રહેલો સંરક્ષણનો કોરિડોર ઉદ્યોગો અને રોજગાર માટે નવી તકો ઉત્પન્ન કરે
છે તેમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વડોદરા વાયબ્રન્ટ સમિટના સમાપન વખતે કહ્યું હતુ.
29 જૂનથી શરૂ થયેલી વાઇબ્રન્ટ
વડોદરા સમિટ મંગળવારે રાજનાથ સિંહની હાજરીમાં પૂર્ણ થઇ હતી. આ તકે સંરક્ષણ ક્ષેત્રની
ચાર કંપનીઓએ રૂ. 2,550 કરોડના એમઓયુ કર્યા હતા. સિંહે કહ્યું કે, મહાન રાષ્ટ્રો ત્રણ
મજબૂત પાયા પર ઊભા છે - આર્થિક શક્તિ,
તકનીકી શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા. આ ત્રણેય એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે.
જ્યાં આર્થિક સમૃદ્ધિ અને તકનીકી પ્રગતિ હોય છે, ત્યાં સુરક્ષા વધુ મજબૂત બને છે. અને
જ્યાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત હોય છે, ત્યાં ઉદ્યોગો અને નવીનતાનો વિકાસ થાય છે,“
બદલાતા વૈશ્વિક ભૂરાજકીય વાતાવરણનો
ઉલ્લેખ કરતા, સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ભારતની ભાવિ ભૂમિકા તેની આત્મનિર્ભરતા, તકનીકી
ક્ષમતાઓ અને સામૂહિક સંકલ્પ પર આધારિત રહેશે.
સિંહે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ
ગુજરાત પ્લેટફોર્મ એક રાષ્ટ્રવ્યાપી ચળવળમાં વિકસિત થયું છે જે “િવકસિત ભારત“ના વિઝનમાં
ફાળો આપે છે. તેમણે ઉમેર્યું કે, મેં એક્ઝિબિશનની
મુલાકાત લીધી છે. ત્યાં સંરક્ષણ ઉદ્યોગમાં થઈ રહેલું કાર્ય પણ નિહાળ્યું છે, જે પ્રશંસનીય
છે.
વાઇબ્રન્ટ ગુજરાત પહેલ 2003 માં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન
શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા બે દાયકામાં તે એક વ્યાપક ચળવળમાં વિકસ્યું છે.