વર્ષોથી રસ્તા રોકતા શેડ, ઓટલા અને ગ્રીલ હટાવાયા, ટ્રાફિકને મળશે રાહત
બોટાદ, તા.29: બોટાદ શહેરની શાક
માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નગરપાલિકાએ સોમવારે મેગા દબાણ
હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. વર્ષોથી જાહેર માર્ગો પર ઉભા કરાયેલા અંદાજે 400 જેટલા ગેરકાયદે દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં
આવ્યા હતા.
શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા
અને નાગરિકોની સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને શાકમાર્કેટ વિસ્તારમાં નગરપાલિકા
અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરી હેઠળ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં વર્ષોથી જાહેર
માર્ગો પર ઉભા કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આગાખાન હોસ્ટેલથી શાક
માર્કેટ તેમજ શિવાજી સર્કલથી મુખ્ય બજાર વિસ્તાર સુધી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
દુકાનોની બહાર બનાવવામાં આવેલા શેડ, ઓટલા, લોખંડની ગ્રીલ, પડદાં સહિતના વિવિધ પ્રકારના
ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. વેપારીઓને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે
નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં અનેક સ્થળોએ દબાણો યથાવત રહેતાં આખરે બુલડોઝર ચલાવી
કાર્યવાહી કરવામાં આવી હતી.
નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી
ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું હતું કે
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અને જાહેર માર્ગો ખુલ્લા રાખવાના હેતુથી
આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં પણ ગેરકાયદે દબાણો સામે નિયમિત કાર્યવાહી
ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.