• શુક્રવાર, 03 જુલાઈ, 2026

જેતપુરના મંડલીકપુર ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

જેતપુર, તા.2: જેતપુર તાલુકાના મંડલીકપુર ગામના સરપંચ સામે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યએ નાણાંકીય ગેરરીતિ તેમજ હોદાના દુરુપયોગની ફરીયાદ કરી હતી. જે બાદ પુરાવાઓને ધ્યાનમાં રાખી જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.

મંડલીકપુર ગામના સરપંચ શિલ્પાબેન સેંજલીયાના નામે તેમના પતિ હરેશભાઇ પણ ગ્રામ પંચાયતના સદસ્ય છે. જે વહીવટ કરતા હોવાની ફરીયાદ તત્કાલીન તાલુકા પંચાયત સદસ્ય જીગ્નેશ રાદડિયાએ તાલુકા પંચાયતમાં કરી હતી. ફરીયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પંચાયતના કામો હરેશભાઇ પોતે જ રાખી લેતા હોય અને તેના વાઉચર પત્નીની સહીથી ઉધારી લ્યે છે. પોતે ગામના પૂર્વ સરપંચ હોય પોતાના બાદ પત્ની સરપંચ થતા બેંકમાં પણ પોતાની જ સહી રાખી હતી. જે અંગે સરપંચ પતિએ ખુલાસો કર્યો હતો કે, પત્ની પાસે પાન કાર્ડ ન હોય એટલે પત્ની વતિ પોતે સહી કરે છે. ગામના વિકાસના કામોના કોન્ટ્રાકટ પોતે જ રાખી લઈ પોતે જ સહી કરી પોતાનું બિલ મંજુર કરી નાણાંકીય ગેરરીતિ કરતા હોવાની પુરાવા સાથે ફરીયાદ થતા જિલ્લા વિકાસ અધિકારીએ તમામ પુરાવાને ધ્યાને રાખી મંડલીકપુર ગામના સરપંચ શિલ્પાબેન સેંજલીયાને હોદાનો દુરુપયોગ તેમજ નાણાંકીય ગેરરીતિ બાબતે કસૂરવાર માની સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક