બે
પાર્ટી વચ્ચે યુપીઆઇ-ક્યુઆર કોડ શેર થાય ત્યાં સુધી સમસ્યા નથી પણ આ કોડ થર્ડ પાર્ટી
સુધી પહોંચે પછી બહારના રાજ્યોમાંથી કૌભાંડ આચરાય છે
રાજકોટ,
તા.1 (ફૂલછાબ ન્યૂઝ) : ક્યુઆર કોડ વડે પેમેન્ટ કરવાનું અને સ્વીકારવાનું હવે સાવ સામાન્ય
થઇ ગયું છે. જોકે એ કારણે હવે ગઠિયાઓને પૈસા પડાવવાનો નવો રસ્તો મળી ગયો છે. ઓનલાઇન
પેમેન્ટ સ્વીકારતી વખતે બે પાર્ટી વચ્ચે ક્યુઆર કોડ શેર થાય ત્યાં સુધી સમસ્યા નથી
પણ આ કોડ થર્ડ પાર્ટી સુધી પહોંચે પછી બહારના રાજ્યોમાંથી કૌભાંડ શરૂ થાય છે. આવા કૌભાંડનો
શિકાર અનેક સામાન્ય લોકો અને નાનો-મોટો વેપારી વર્ગ છાસવારે થઇ જાય છે. રાજકોટ સહિત
સૌરાષ્ટ્રભરમાં અનેક કિસ્સાઓમાં જાણી જોઇને પૈસા ટ્રાન્સફર કરીને બાદમાં ઉઘરાણા કરી
લેવાતા હોવાની રાવ ઉઠી છે. રાજકોટમાં મોબાઇલ અને એફએમસીજીના ધંધાર્થીઓએ પોતાની સાથે
અને તેના જેવા અનેક વેપારીઓ સાથે થયેલી છેતરપિંડીની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે,
આ પ્રકારની સાયબર છેતરપિંડીમાં ખાતામાંથી પૈસા ઉપડી જતાં નથી. મોડસ ઓપરન્ડી થોડી અલગ
છે. બે પાર્ટી વચ્ચે ક્યુઆર કોડ શેર કરીને પેમેન્ટની લેવડ-દેવડ અનેક વખત થતી હોય છે.
ક્યુઆર કોડ અન્ય વ્યક્તિ પાસે પહોંચી જાય ત્યારે કૌભાંડ થાય છે. ક્યુઆર કોડ બેંકના ખાતા સાથે એટેચ કરેલો હોય છે
તે ખાતું ફ્રિઝ કરી દેવામાં આવે છે. એ પછી બે ચાર મહિના સુધી ખાતું અનફ્રિઝ થતું નથી.
લોકોના પૈસા ફસાય છે. ખોલાવવા માટે તોડ થાય છે એ રીતે પૈસા ખંખેરી લેવાય છે.
તેમણે
કહ્યું કે, ગુજરાતના ખરીદનાર-વેચનાર કોડ-યુપીઆઇ વડે નાણાકિય વ્યવહાર કરે છે પણ ક્યુઆર
કોડ કોઇપણ રીતે બીજે ફેલાઇ જાય તો મુશ્કેલી શરૂ થાય છે. જેતે પાર્ટીના કોડ વડે બીજા
રાજ્યમાંથી બે પાંચ હજાર જેવી નાની રકમ જાણીબુઝીને ટ્રાન્સફર કરવામાં આવે. બાદમાં ભૂલથી
પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તે પરત આપવા માગણી થાય છે. અજાણી વ્યક્તિને રકમ પરત આપવા
ભોગ બનનાર તૈયાર હોય છે પણ સાવધાની માટે કોઇ પૂરાવો માગે તો તે અપાતો નથી. પરિણામે
કોઇપણ વેપારી આનાકાની કરે છે. એનો લાભ ગઠિયા લે છે. પૈસા મોકલનાર વ્યક્તિ એના શહેર-ગામમાંથી
સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે છે પછી બેંક એ ખાતું ફ્રિઝ કરી દે છે. પરિણામે એમાંથી કોઇ
વ્યવહાર શક્ય બનતો નથી. વેપારીઓ પૈસા હોવા છતાં નાણાંની તંગી અનુભવે છે.
બેંકે
ખરેખર ભૂલથી કે જાણી જોઇને મોકલેલી રકમ જ ફ્રિઝ કરવી જોઇએ. તેના બદલે આખું ખાતું ફ્રિઝ
કરી દેવામાં આવે છે તેમ અન્ય એક વેપારીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, મારી સાથે આવી
ઘટના બની છે અને ખાતામાં રહેલા પચ્ચીસ લાખ રૂપિયા અનિશ્ચિત સમય માટે ફ્રિઝ રહ્યા. આવી
સ્થિતિમાં વેપાર કરવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીએ તો જેતે
રાજ્યમાં જઇને જ ઉકેલ લાવવો પડે તેવા જવાબ મળે છે. થાકીને ત્યાં જઇએ તો અનફ્રિઝ કરવા
માટે ખાતામાં પૈસા હોય તે પ્રમાણેની રકમની માગણી થાય છે ! કંટાળેલા વેપારીઓ આપી પણ
દે છે. આ બધા પક્ષકારો બહારના રાજ્યના હોય છે અને એમાં એમાં મોટી સાંઠગાંઠ હોવાનો પણ
તેમણે આક્ષેપ કર્યો હતો.
આવા
કિસ્સાઓમાં બેંક કોઇ નોટિસ આપ્યા વિના ખાતું ફ્રિઝ કરી દે છે એ સમસ્યા છે. ખરેખર તો
નાની નાની રકમો હવે ક્યુઆર કોડથી રોજ ટ્રાન્સફર થાય છે. કોણે મોકલ્યા એના ક્રીન શોટ
પણ અધૂરા હોય છે પણ સ્વીકારનાર પૈસા મેળવી લઇને સંતોષ માને છે એ કારણે વચ્ચે એકાદ વ્યવહાર
ગઠિયો કરી ગયો હોય તો ખ્યાલ પણ રહેતો નથી.
વેપારીઓને
આવી એન્ટ્રી થયાનો ખ્યાલ આવે તો તેને સસ્પેક્ટ એન્ટ્રી તરીકે રાખી દે છે. બાદમાં ફરિયાદ
થાય ત્યારે જ ખ્યાલ આવે છે. ઘણી વખત એવું પણ બને છેકે વેપારીને પેમેન્ટ કરતા ન આવડે
ત્યારે થર્ડ પાર્ટી પાસેથી પેમેન્ટ કરાવે. અમુક કિસ્સાઓમાં બ્લેક વ્હાઇટ કરવા માટે
ત્રીજી પાર્ટી પાસે પૂરાં પૈસા પેમેન્ટ કરાવે અને કમિશન કાપીને પેમેન્ટ કરનાર પાસેથી
રોકડાં ઉઘરાવી લેવાય છે. આમ કરવાથી પણ જોખમ ખૂબ વધી જાય છે. સમસ્યા એ છેકે બેંકો તેના
ખાતાધારકને રક્ષણ નથી આપતી. ફરિયાદ થાય એટલે ખાતું ફ્રિઝ કરી દેવાય છે પણ ખરેખર જેનું
ખાતું ફ્રિઝ થયું છે તેને સાંભળવાની તક મળતી નથી.
ભોગ
બનનારે ઋછઘ સમક્ષ જવું જોઇએ: સાયબર સુરક્ષા વિભાગ
ક્યુઆર
કોડથી પેમેન્ટ કરીને પૈસા પડાવવાના કિસ્સાઓ રાજકોટ સાયબર ક્રાઇમ વિભાગમાં સામે આવતા
હોય છે તેમ એક અધિકારીએ કહ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, સરકારે આ પ્રકારના અપરાધો અટકાવવા
બે મોડયૂલ બનાવ્યા છે. જોકે ખાતેદાર ઉક્ત કિસ્સાઓમાં જેતે બેંકના ગ્રીવન્સ રિડ્રેસલ
ઓફિસર(જીઆરઓ)નો સંપર્ક કરીને આ બાબતની જાણ કરીને ખાતું અનફ્રિઝ કરાવી શકે છે. જો ન
થાય તો ઉપરના સ્તર સુધી તેની અપીલ પણ થઇ શકે છે.