પોલીસ
બંદોબસ્ત સાથે 15 સ્થળે જીએસટીની ચારથી વધુ ટીમે ચેકીંગ કરતા કર ચોરી કરતા તત્ત્વોમાં
ફફડાટ
રાજકોટ,
તા. 1: યાત્રાધામ સોમનાથમાં સ્ટેટ જીએસટી દ્વારા હોટેલો-ગેસ્ટ હાઉસમાં સરપ્રાઈઝ ચેકીંગ
કરતા ખળભળાટ મચી ગયો હતો. જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલની રાહબરી હેઠળ ચારથી
વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે યાત્રાધામની કહોટલો અને ગેસ્ટહાઉસોમાં ચાકિંગ કરતા હોટેલ
સંચાલક વર્તુળોમાં દોડધામ મચી ગઈ હતી.
સ્ટેટ
જીએસટી વિભાગે આશરે સોમનાથની 15 જેટલી હોટલો અને ગેસ્ટહાઉસોમાં તપાસ હાથ ધરી હતી. ટીમોએ
હોટલોમાં પહોંચી જીએસટી રજીસ્ટ્રેશન, ટેકસ રિટર્ન, બાલિંગ સિસ્ટમ, રોકડ અને ડિજીટલ
વ્યવહારો, એકાઉન્ટ બુક, ખરીદી-વેચાણના દસ્તાવેજો સહિતના હિસાબી રેકોર્ડની ઝીણવટભરી
ચકાસણી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો.
જીએસટીની
ટીમોએ યાત્રાધામમાં આવેલી હોટલોમાં હોટલ કૃષ્ણા, હોટલ શિવશક્તિ, હોટલ રુદ્રા, હોટલ
શિવમ, હોટલ શિવ કૃપા, હોટલ કૈલાસ અને હોટલ શિવ સહિત અન્ય હોટલ અને ગેસ્ટહાઉસનો સમાવેશ
થાય છે. અધિકારીઓ એ સ્થળ પર ઉપલબ્ધ દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત વ્યવસાયના વાસ્તવિક ટર્નઓવર
અને જીએસટી હેઠળ દર્શાવવામાં આવેલી આવક વચ્ચે કોઈ વિસંગતતા છે કે નહીં તેની પણ તપાસ
શરૂ કરી હોવાનું જાણવા મળે છે. યાત્રાધામ સોમનાથમાં દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ
આવતા હોવાથી હોટલ અને ગેસ્ટહાઉસ વ્યવસાયમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. આવી સ્થિતિમાં
ટેકસચોરી રોકવા અને કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સ્ટેટ જીએસટી
વિભાગ દ્વારા સમયાંતરે ચાકિંગ કરવામાં આવે છે. બુધવારે હાથ ધરાયેલી કાર્યવાહી પણ એ
જ અભિયાનનો એક ભાગ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તપાસ
પૂર્ણ થયા બાદ દસ્તાવેજોનું વિશ્લેષણ કરવામાં આવશે અને જ્યાં કરચેરી અથવા કાયદાના ભંગના
પુરાવા મળશે ત્યાં સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાની કાર્યવાહીના પગલે
હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.