વસ્ત્રાલમાં
ધમધમતા કોલ સેન્ટર પર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો દરોડો, રૂ. 5 કરોડના વ્યવહારોની વિગતો
મળી, ગુજરાતના જ 1000થી વધુ લોકો ભોગ બન્યા
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.10: ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં
ચાલતા એક કોલ સેન્ટર પર દરોડો પાડી આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા સાયબર છેતરાપિંડીના મોટા
રેકેટનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર શક્તિવર્ધક અને સેક્સ્યુઅલ પાવર વધારવાની
આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આપીને લોકોને ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ દવાના
નામે રૂપિયા પડાવ્યા બાદ નકલી પોલીસ અધિકારી બની ધમકી આપીને વધુ રૂપિયા ખંડણી સ્વરૂપે
વસૂલતા હતા. આ સમગ્ર કૌભાંડમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સૂત્રધાર તથા એક મહિલા સહિત કુલ
સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે.
સાયબર
સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડૉ. રાજદીપાસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, આ ગેંગ છેલ્લા કેટલાક
સમયથી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કોલ સેન્ટર ચલાવતી હતી. સૂત્રધાર ઉત્તર પ્રદેશના
ઇટાવાનો રહેવાસી દેવેન્દ્રાસિંહ રાજાવત હોવાનું સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું
છે કે આરોપીઓ દરરોજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર અંદાજે રૂ.30
હજારથી રૂ.50 હજાર સુધીનો ખર્ચ કરીને આકર્ષક જાહેરાતો ચલાવતા હતા. 100 ટકા ગેરંટી સાથે
આયુર્વેદિક શક્તિવર્ધક દવા અને પરફોર્મન્સ વધારવાની સારવાર જેવા દાવા કરીને લોકોને
ટાર્ગેટ બનાવવામાં આવતા હતા.
આ ગેંગની
છેતરાપિંડી માત્ર દવા વેચવા સુધી મર્યાદિત નહોતી. જો ગ્રાહક પાર્સલ સ્વીકારતો ન હોય
અથવા સરનામું ખોટું હોય તો આરોપીઓ ફરી ફોન કરીને પોતાને પોલીસ અધિકારી અથવા ડોક્ટર
તરીકેની ઓળખ આપી ધાકધમકી આપતા. પાર્સલ મેળવ્યા બાદ ગ્રાહકોને તમે ઓનલાઈન પ્રતિબંધિત
દવા ખરીદી છે જેની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તેવું જણાવી કાનૂની કાર્યવાહીનો
ડર બતાવતા હતા. લોકો પાસેથી પાંચ હજારથી એક લાખ સુધીની રકમ એઠવામાં આવતી હતી.
સાયબર
ક્રાઈમની તપાસ દરમિયાન કોલ સેન્ટરમાંથી મળેલા કમ્પ્યુટર અને ડિજિટલ ડેટાના વિશ્લેષણમાં
દેશભરના અંદાજે 4 હજારથી 5 હજાર લોકો આ ગેંગના શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે.
તેમાં ગુજરાતના એક હજારથી વધુ લોકોનો ડેટા પણ મળી આવ્યો છે. આરોપીઓ પાસે મળેલા 14 બેંક
ખાતાઓમાં રૂ.5 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે. દરોડા દરમિયાન
પોલીસે 44 મોબાઇલ ફોન, 23 કોમ્પ્યુટર અને ઈઙઞ, 2 લેપટોપ, 1 મોટું મોનિટર, 3 કોલર આઈડી
ફોન, 3 પેનડ્રાઇવ અને 14 બેન્ક કિટ સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત
વિવિધ નકલી પેઢીઓના દસ્તાવેજો અને અન્ય ડિજીટલ પુરાવાઓ પણ મળી આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં
ધીરેન્દ્ર પ્રતાપાસિંહ રાજાવત, દેવેન્દ્રાસિંહ રાજાવત, આર્યન રાવલ, અનિરુદ્ધ ભદોરિયા,
સુમિત દિવાકર, દેવપ્રતાપાસિંહ ભદોરિયા અને કોલ સેન્ટરની મેનેજર તરીકે કામગીરી કરતી
પ્રિયા કુર્મીનો સમાવેશ થાય છે.